દિલ્હી-રાજકોટની ફલાઇટ સુરત ડાઇવર્ટ કરાઇ, અમદાવાદની 40થી વધુ ફ્લાઇટના શેડ્યૂલ ખોરવાયા
ગુજરાતભરમાં ગઇકાલે અચાનક આવેલા તીવ્ર ધૂળના તોફાન અને પ્રચંડ પવનથી રાજયમાં બાવન હવાઈ ટ્રાફિકમાં ભારે વિક્ષેપ સર્જાયો હતો. આ કુદરતી આફતને કારણે કુલ 40 ફ્લાઇટના શેડ્યૂલ પર અસર પડી, જેમાંથી 6 ફ્લાઇટ્સ સંપૂર્ણ રદ્દ કરવામાં આવી અને અનેકને લાંબા સમય સુધી વિલંબનો સામનો કરવો પડ્યો. દિલ્હીથી રાજકોટ આવતી ઇન્ડીગોની ફલાઇટને સુરત ડાયવર્ટ કરવામાં આવી હતી.
ગુજરાતમાં ગઇકાલે સાંજે ગાઢ ધૂળના વાદળોએ આવરી લીધું હતું, જેના કારણે રનવે પર દૃશ્યતા ખૂબ જ ઘટી ગઈ. પાઇલટોને લેન્ડિંગ અને ટેકઓફ દરમિયાન રનવે જોવામાં મુશ્કેલી પડી, જેથી એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને તાત્કાલિક હસ્તક્ષેપ કરવો પડ્યો. એરપોર્ટ સૂત્રો અનુસાર, ભારે પવન અને ધૂળને કારણે કેટલીક આવતી ફ્લાઇટ્સને હવામાં જ રાહ જોવી પડી, જેનાથી મુસાફરોમાં ભારે બેચેની ફેલાઈ ગઈ.
આ અસરને કારણે અમદાવાદની કુલ ચાર ફ્લાઇટ્સને અન્ય એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી, જેમાં બે ઇન્ડિગો અને બે એર ઇન્ડિયાની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. લેન્ડિંગ ક્લિયરન્સ ન મળતા આ ફ્લાઇટ્સને વિકલ્પી રસ્તો અપનાવવો પડ્યો. તેમજ દિલ્હીથી રાજકોટ આવતી ઇન્ડીગોની ફલાઇટ નં.6ઇ-5025 નબળી વિઝીબીલીટીને કારણે હીરાસર એરપોર્ટ ઉપર લેન્ડ ન થઇ શકતા સુરત એરપોર્ટ ખાતે ડાઇવર્ટ કરાઇ હતી.
સૌથી વધુ અસરગ્રસ્ત ફ્લાઇટ્સમાં અમદાવાદથી દુબઈ જતી એક ફ્લાઇટનો સમાવેશ થાય છે, જેને લગભગ 6 કલાકનો વિલંબ થયો. એ જ રીતે અમદાવાદથી બેંગલુરુ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટને આશરે 3 કલાકનો વિલંબ થયો હતો.
એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુસાફરોને ધીરજ રાખવા અને એરલાઇન્સ સાથે સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવા તીવ્ર પવન અને ધૂળના તોફાનની સ્થિતિ હજુ પણ ચાલુ રહી શકે છે, જેથી એરપોર્ટ પરની પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. મુસાફરો અને એરલાઇન્સ બંને માટે આ એક અણધારી પરિસ્થિતિ બની રહી છે, જેમાં સુરક્ષા પ્રથમ અને અંતિમ છે.

