Site icon Gujarat Mirror

પ્રેમીના પિતાને પ્રેમિકાના કાકાએ છરીના 11 ઘા ઝિંકયા

જામનગર તાલુકાના મુંગણી ગામમાં પ્રેમ પ્રકરણમાં ગંભીર વળાંક આવ્યો છે, અને પ્રેમી યુવાનના પિતા ઉપર પ્રેમિકાના પરિવારજનો વગેરે છરી વડે 11 જેટલા ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો છે, અને તેને ગંભીર હાલતમાં સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે ચાર હુમલાખોરો સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા બલરાજસિંહ ઉર્ફે બલીયો રાજેન્દ્રસિંહ કેર નામના 22 વર્ષના યુવાનને ચંગા ગામના મહેન્દ્રસિંહ પિંગળના ભાઈની પુત્રી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે મિત્રતામાં પ્રેમિકાએ પોતાનો સોનાનો હાર બલરાજસિંહ ને આપ્યો હતો, અને તે હાર ઉપર ફરિયાદી યુવાને લોન લીધી હતી.

ઉપરોક્ત બાબતની જાણકારી મહેન્દ્રસિંહ પિંગળ વગેરેને થઈ જતાં બંને પરિવાર વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો, અને હાર પરત મેળવી લેવાયો હતો.પરંતુ તેના 30,000 રૂૂપિયા ચૂકવેલા હતા, જે રૂૂપિયા પરત લેવા બાબતે ફરીથી ઝઘડો થયો હતો. જે ઝઘડા નું મનદુ:ખ રાખીને ગઈકાલે મહેન્દ્રસિંહ પિંગળ પોતાના અન્ય ત્રણ સાગરીતો સાથે વનરાજસિંહ કેર ના ઘરે પહોંચી ગયા હતા, જ્યાં તેના પિતા રાજેન્દ્રસિંહ કે જેવો ફળિયામાં સુતા હતા, જેના ઉપર તમામ શખ્સો એ છરી વડે હુમલો કરી દીધો હતો, અને ઉપરા છાપરી છરી ના 11 જેટલા ઘા મારી દીધા હતા, અને ત્યાંથી ચારેય ભાગી છુટ્યા હતા.

આ બનાવ બાદ રાજેન્દ્રસિંહ કેરને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને ત્યાં તેની સધન સારવાર ચાલી રહી છે.

જે સમગ્ર મામલાને સિક્કા પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બલરાજસિંહ રાજેન્દ્રસિંહ કેર એ સિક્કા પોલીસ મથકમાં પોતાના પિતા ઉપર જીવલેણ હુમલો કરવા અંગે મહેન્દ્ર સિંહ પિંગળ અને તેના અન્ય ત્રણ સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને સિક્કા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડતો થયો છે, અને તમામ ફરારી આરોપીઓને શોધી કાઢવા માટેની કવાયત હાથ ઘરી છે.

Exit mobile version