ફાટકમેનની બેદરકારી! અર્ધુ ફાટક બંધ રાખી ચાલતી પકડી

જામનગરના નવા નાગના ગામ નજીક આવેલા રેલવે ફાટક નંબર 193 પર ફાટકમેનની ગંભીર બેદરકારી સામે આવી છે. ફરજ પરના કર્મચારીએ રેલવે કેબિનને તાળું મારી ફાટક…

જામનગરના નવા નાગના ગામ નજીક આવેલા રેલવે ફાટક નંબર 193 પર ફાટકમેનની ગંભીર બેદરકારી સામે આવી છે. ફરજ પરના કર્મચારીએ રેલવે કેબિનને તાળું મારી ફાટક અર્ધબંધ હાલતમાં છોડીને જતા રહેતાં વાહનચાલકોની સુરક્ષા સામે જોખમ ઊભું થયું હતું. આ ઘટનાનો વીડિયો સોસીયલ મીડિયા ના માધ્યમોમાં ફરતો થતાં ભારે ચર્ચા જાગી છે.

મળતી માહિતી મુજબ, ગત સોમવારે બપોરના સમયે ફાટક પર ફરજ બજાવતા કર્મચારીએ પોતાની કેબિનને તાળું મારી દીધું હતું અને ફાટકને સંપૂર્ણ બંધ કે ખુલ્લું રાખવાને બદલે અર્ધબંધ હાલતમાં મૂકીને ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ દરમિયાન ફાટક પરથી પસાર થતા નાના-મોટા વાહનોના ચાલકો અર્ધખુલ્લા ફાટક નીચેથી જોખમી રીતે પસાર થતા જોવા મળ્યા હતા.

સદનસીબે આ સમયગાળા દરમિયાન કોઈ ટ્રેન પસાર થઈ ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, ફાટકમેનની ગેરહાજરીમાં જો અચાનક ટ્રેન આવી જાય તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ હતી.
આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ રેલવે તંત્રની સુરક્ષા વ્યવસ્થા અને ફરજ પરના કર્મચારીઓની જવાબદારી સામે સવાલો ઊઠ્યા છે. ફાટક જેવા સંવેદનશીલ સ્થળે ફરજ બજાવતા કર્મચારીની ગેરહાજરી અને કેબિનને તાળું મારી ફાટક અર્ધબંધ છોડી દેવાની બાબતને ગંભીરતાથી લઈ તપાસ કરવામાં આવે તથા જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માગ ઊઠી છે.