Site icon Gujarat Mirror

અમદાવાદમાં ગેંગવોર, યુવાનનું અપહરણ કરી સરાજાહેર પતાવી દીધો

ભાઇ પર જ્યાં હુમલો થયો હતો તે જ સ્થળે હુમલાખોરના ભાઇને લઇ જઇ 10થી વધુ શખ્સોએ રહેંસી નાખ્યો, દેશના સૌથી સુરક્ષિત શહેરમાં ભયાનક ઘટના

અમદાવાદ શહેરમાં પોલીસનો ડર જ રહ્યો ન હોય એમ ગુનેગારો બેફામ બન્યા હોય એમ લાગી રહ્યું છે. દેશના સુરક્ષિત શહેર પૈકીના એક અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં ચાલી રહેલી ગેંગવોરમાં યુવકનું અપહરણ કરીને તેની ઘાતકી હત્યા કરવામાં આવી છે. રોડની વચ્ચે જ સરાજાહેર 10થી વધુ લોકો ધારિયા જેવાં ઘાતક હથિયારો વડે યુવકને રહેંસી નાખ્યો હતો. થોડા સમય પહેલાં યુવકના ભાઈ પર જ્યાં હુમલો થયો હતો, એ જ સ્થળે યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. લોહિયાળ ગેંગવોરના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.

આ હત્યાકાંડ વિપુલ અને સતીશ ગેંગ વચ્ચે છેલ્લા અઠવાડિયાથી ચાલી રહેલી ગેંગવોરનું પરિણામ છે. થોડા દિવસ પહેલાં વિપુલ નામના યુવક પર સતીશ અને તેની ગેંગે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાનો બદલો લેવા માટે વિપુલની ગેંગે સતીશને શોધવાનું ચાલુ કર્યું, પરંતુ સતીષ તો હાથમાં ના આવ્યો, પણ તેનો ભાઈ દીપક ઉર્ફે હુક્કો હાથમાં આવી જતાં તેના પર હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો.

આ હુમલા બાદ દીપકને હોસ્પિટલમાંથી રજા મળતાં જ સતીશે બદલો લેવાનું કાવતરું રચ્યું હતું. સતીશે પોતાના ભાઈ દીપક પર જ્યાં હુમલો થયો હતો એ જ જગ્યાએ વિપુલના ભાઈ નીતિનને ઉઠાવી જઇ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં નીતિનને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. પોલીસે આ મામલે હત્યા અને અપહરણનો ગુનો નોંધીને તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. આ ઘટનાએ ફરી એકવાર સામાજિક વૈમનસ્ય અને કાયદાના શાસન સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

શહેરકોટડા વિસ્તારમાં રવિશંકર મહારાજ ઔડાના મકાનમાં રહેતા અક્ષય પટણીએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં સતીશ ઉર્ફે સતિયો પટણી, વિશાલ દંતાણી, મહેશ ઉર્ફે કટ્ટો, બાવો, સાજન, રાજ ઉર્ફે સેસુ સહિત સાત લોકો વિરુદ્ધ અપહરણ તેમજ હત્યાની ફરિયાદ કરી છે.

Exit mobile version