Site icon Gujarat Mirror

કેશોદમાંથી 14 લાખના મોબાઇલ ચોરી કરનાર ગેંગ દિલ્હીથી ઝડપાઇ

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં મોબાઈલની દુકાનનું શટર તોડી લાખોની મત્તાની ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગનો કેશોદ પોલીસે પર્દાફાશ કર્યો છે. ગત 4 ડિસેમ્બરના રોજ કેશોદમાં એક મોબાઈલ શો-રૂૂમમાંથી અંદાજે ₹14.28 લાખના મોબાઈલ અને રોકડની ચોરી થઈ હતી. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાંજડીયા અને એસપી સુબોધ ઓડેદરાએ તપાસના આદેશ આપ્યા હતા. કેશોદ ડીવાયએસપી બી.સી.ઠક્કરના માર્ગદર્શન હેઠળ પોલીસે દિલ્હી ખાતેથી બિહારની કુખ્યાત ’ચાદર ગેંગ’ (ઘોડાસન ગેંગ) ના બે સાગરીતોને દબોચી લીધા છે.

આ ગેંગની ચોરી કરવાની રીત અત્યંત વિચિત્ર અને વ્યવસ્થિત છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે બિહારના પૂર્વી ચંપારણ જિલ્લાના વતની એવા આ શખ્સો અન્ય રાજ્યોમાં મજૂરીકામના બહાને જઈને મોબાઈલના મોટા શો-રૂૂમની રેકી કરે છે. રાત્રિના સમયે જ્યારે તેઓ ચોરી કરવા પહોંચે છે, ત્યારે ગેંગના સભ્યો શટરની આસપાસ ચાદર પકડીને ઉભા રહે છે, જેથી રસ્તા પરથી પસાર થતા લોકોને શટર પાસે શું ચાલી રહ્યું છે તેની ખબર ન પડે. આ ગેંગ ચોરી દરમિયાન પોલીસથી બચવા માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી નથી અને ચોરીનો મુદ્દામાલ ભારતની સરહદ વટાવી નેપાળમાં વેચી દે છે.

કેશોદ પોલીસ અને જૂનાગઢ એલસીબીની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી દિલ્હીના કાપાસેરા અને નંદનગરી વિસ્તારમાંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં રાહુલ નમોનાથપ્રસાદ જયસ્વાલ અને મહંમદસફીક સુખલમીંયા તૈલીનો સમાવેશ થાય છે. પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓએ અન્ય ત્રણ સાથીદારો સાથે મળીને કેશોદમાં દુકાનનું શટર વચ્ચેથી ઊંચું કરી 66 નંગ મોબાઈલ અને ₹3.97 લાખની રોકડની ચોરી કરી હતી. આ મુદ્દામાલ તેઓએ નેપાળમાં રહેતા હસન નામના શખ્સને પહોંચાડી દીધો છે.

આરોપી રાહુલ અગાઉ પાટણના રાધનપુરમાં પણ ચોરીના ગુનામાં પકડાયેલો છે અને તેના પર હરિયાણા તથા રાજસ્થાનમાં પણ ગુના નોંધાયેલા છે. આ સફળ કામગીરીમાં કેશોદ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ.જાદવ, એલસીબી પીઆઈ કે.એમ.પટેલ અને હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ડાભી સહિતની ટીમે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હાલ પોલીસે બંને આરોપીઓના 20 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવી મુદ્દામાલ રિકવર કરવા અને ફરાર અન્ય ત્રણ આરોપીઓને પકડવા તપાસ તેજ કરી છે.

Exit mobile version