Site icon Gujarat Mirror

રાજકોટના ખોરાણામાં નણંદ-ભોજાઈએ સજોડે ફિનાઈલ પી લીધું

રાજકોટનાં ખોરાણા ગામે અમદાવાદમાં રહેતી નણંદ-ભોજાઈએે સજોડે ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર નણંદ-ભોજાઈને સારવાર માટે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં પુત્રી ફોનમાં હેરાન કરતી હોવાની માતાએ કરેલી અરજીના કામ સબબ કુવાડવા આવેલી નણંદ-ભોજાઈ સાથે ફરી રકઝક થતાં બન્નેએ ફિનાઈલ ગટગટાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવ અંગે અમદાવાદના વિરમગામ ખાતે રહેતી મનીષાબેન વિજયભાઈ ચાવડા (ઉ.35) અને અમદાવાદ રહેતી તેની ભાભી વંદનાબેન સુનિલભાઈ સોલંકી (ઉ.32) ગઈકાલે રાજકોટનાં ખોરાણા ગામે હતી ત્યારે સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં સજોડે ફિનાઈલ પી લીધું હતું. નણંદ-ભોજાઈને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક પુછપરછમાં મનીષાબેન ચાવડાની ખોરાણા ગામે રહેતી માતા નંદાબેન ઉમેશભાઈ સોલંકીએ કુવાડવા પોલીસ મથકમાં પુત્રી મનીષાબેન ચાવડા ફોનમાં હેરાન કરતી હોવાની અરજી કરી હતી. જે અરજીના કામ સબબ નણંદ-ભોજાઈ ખોરાણા ગામે આવી હતી. તે દરમિયાન પુત્રી મનીષાબેન ચાવડાએ માતા નંદાબેન સોલંકીને ‘તમે મારી ઉપર ખોટી અરજી કેમ કરો છો’ તેવું કહેતા માતા ફરી પોલીસ સ્ટેશન જવા નીકળી હતી ત્યારે નણંદ-ભોજાઈએ સજોડે ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version