Site icon Gujarat Mirror

માલિયાસણ ચોકડી પાસે કાર અને બોલેરો વચ્ચે અકસ્માત: ત્રણ ઘવાયા

સાયલા પંથકના કારસવાર દંપતી અને સણોસરાના બોલેરો સવાર યુવાનને સારવારમાં ખસેડાયા: અકસ્માત થતા બોલેરો થાંભલામાં અથડાતા ધરાશાયી

શહેરની ભાગોળે રાજકોટ કુવાડવા હાઇવે પર માલીયાસણ ચોકડી નજીક કાર અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર સવાર સાયલા પંથકના દંપતિ અને બોલેરો સવાર યુવાને ઇજા થતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત થતા બોલેરો થાંભલામાં ધુસી જતા થાંભલો ટ્રક ઉપર પડ્યો હતો. બનાવની જાણ થતા કુવાડવા પોલીસે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર ના સાયલા ગામે રહેતા ખોડીદાસ ભીમાભાઇ પટેલ (ઉ.વ.48)અને તેમના પત્ની ફાલ્ગુની બેન (ઉ.વ.50) નામના દંપતિ આજે સવારે પોતાની કાર લઇ રાજકોટ તરફ આવતા હતા ત્યારે કુવાડવા હાઇવે પર માલીયાસણ ચોકડી નજીક બોલેરો પીકઅપ સાથે કારનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા બોલેરો હાઇવે પર ફૂટપાથ ઉપર ચડી જતા થાંભલામાં ધુસી ગઇ હતી જેથી થાંભલો હાવેઇ પર પડેલા ટ્રક ઉપર પડ્યો હતો. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા.

આ બનાવમાં કાર સવાર દંપતિ અને બોલેરોમાં સવાર મુળ દાહોલના વતની અને હાલ સણોસરા ગામે રહેતા મેહુલ સોમાભાઇ સીંગાળા (ઉ.વ.23) નામના યુવાનને ઇજા થતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતા કુવાડવા પોલીસ મથકના પ્રશાંતભાઇ સહિતના સ્ટાફે હોસ્પિટલે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version