બોલિવૂડના સુપરસ્ટાર રણવીર સિંહ અને જાણીતા ફિલ્મ નિર્માતા-નિર્દેશક ફરહાન અખ્તર વચ્ચે ‘ડોન 3’ ફિલ્મને લઈને ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) એ રણવીર સિંહ વિરુદ્ધ સત્તાવાર રીતે અસહકારનો આદેશ જાહેર કરીને તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ડિસેમ્બર 2025માં, રણવીર સિંહે અચાનક ‘ડોન 3’ ફિલ્મમાંથી પીછેહઠ કરી લીધી હતી, જે ફિલ્મ તેણે બે વર્ષ પહેલાં સાઇન કરી હતી. રણવીરે આ પાછળ સ્ક્રિપ્ટમાં થયેલા ફેરફારોનું કારણ આપ્યું હતું. તેની બ્લોકબસ્ટર જાસૂસી થ્રિલર ફિલ્મ ‘ધુરંધર’ (જેણે વિશ્વભરમાં ₹3000 કરોડથી વધુની કમાણી કરી) ની ભવ્ય સફળતાના થોડા જ દિવસો બાદ આ નિર્ણય લેવાયો હતો.
બીજી તરફ, ફરહાન અખ્તર અને તેના પાર્ટનર રિતેશ સિધવાનીએ આક્ષેપ કર્યો છે કે રણવીરની કમિટમેન્ટના કારણે તેમણે પ્રી-પ્રોડક્શનમાં કરોડો રૂૂપિયાનું આંધણ કરી દીધું હતું, પરંતુ રણવીર સતત શિડ્યુલ લંબાવતો રહ્યો અને અંતે ફિલ્મ છોડી દીધી. FWICE ના મુખ્ય સલાહકાર અશોક પંડિતે મુંબઈમાં મીડિયાને સંબોધતા જણાવ્યું કે, શૂટિંગ શરૂૂ થવાના માત્ર ત્રણ અઠવાડિયા પહેલા જ રણવીરે ફિલ્મ છોડી દીધી હતી. એક્સેલ એન્ટરટેઇનમેન્ટે પ્રી-પ્રોડક્શનમાં થયેલા તમામ ખર્ચનો ઓડિટેડ હિસાબ રજૂ કર્યો છે. જેમાં 200થી વધુ કર્મચારીઓ માટે હોટેલ બુકિંગ, લોકેશન રેકી, વિદેશ પ્રવાસ અને રણવીર સાથે શૂટ કરાયેલા પ્રોમો વીડિયો પાછળ થયેલો ખર્ચ સામેલ છે.
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ₹45 કરોડના વળતરની માંગ કરવામાં આવી છે. કાનૂની પ્રક્રિયાના ભાગરૂૂપે સંગઠને રણવીરને પોતાનો પક્ષ રાખવા બોલાવ્યો હતો, પરંતુ દર 10 દિવસે ત્રણ વાર નોટિસ મોકલવા છતાં રણવીર હાજર ન થયો. તાજેતરમાં તેના સેક્રેટરીએ પત્ર મોકલીને એવો તર્ક આપ્યો કે આ મામલે FWICE ને કોઈ સત્તા કે અધિકારક્ષેત્ર નથી, તેથી તેઓ રણવીરને બોલાવી ન શકે. સંગઠનના પ્રમુખ બી.એન. તિવારી અને જનરલ સેક્રેટરી અશોક દુબેએ સ્પષ્ટ કર્યું કે, ઇન્ડસ્ટ્રીમાં કોઈ સુપરસ્ટાર કાયદા કે ટ્રેડ યુનિયનથી મોટો નથી. જ્યાં સુધી રણવીર પોતે રૂૂબરૂૂ આવીને વાત નહીં કરે ત્યાં સુધી દેશભરના ટેકનિશિયનો, સ્પોટબોય અને દૈનિક વેતન ભોગવતા શ્રમિકો તેની સાથે કામ નહીં કરે. આ પ્રતિબંધના કારણે તેની આગામી જાહેરાતો અને ફિલ્મોના શૂટિંગ પર મોટી બ્રેક વાગી શકે છે.
