જૂનમાં ટીમ ઈન્ડિયાનું વ્યસ્ત શેડ્યૂલ ટેસ્ટ, ODI, T-20 ત્રણેય ફોર્મેટમાં રમશે

ભારતીય ક્રિકેટ ટીમ માટે જૂન મહિનો અત્યંત વ્યસ્ત અને રોમાંચક બનવાનો છે. ટીમ ઈન્ડિયા આગામી મહિનામાં ટેસ્ટ, વનડે અને ટી-20 સહિત કુલ છ આંતરરાષ્ટ્રીય મેચ…

ભારતીય ક્રિકેટ ટીમ માટે જૂન મહિનો અત્યંત વ્યસ્ત અને રોમાંચક બનવાનો છે. ટીમ ઈન્ડિયા આગામી મહિનામાં ટેસ્ટ, વનડે અને ટી-20 સહિત કુલ છ આંતરરાષ્ટ્રીય મેચ રમશે. અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અને વનડે શ્રેણી બાદ ભારત આયર્લેન્ડ સામે ટી-20 શ્રેણી રમશે. આ તમામ મેચો આગામી મોટા ટૂર્નામેન્ટ માટે ટીમની તૈયારી માટે મહત્વપૂર્ણ છે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચ 6 જૂનથી નવા ચંદીગઢ ખાતે શરૂૂ થશે. આ મુકાબલો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ નહીં હોવા છતાં બંને ટીમો માટે મહત્વપૂર્ણ રહેશે. ભારતીય ટીમ આ મેચ દ્વારા નવા ટીમ કોમ્બિનેશનને અજમાવવાનો પ્રયાસ કરશે.

ટેસ્ટ મેચ બાદ બંને દેશો વચ્ચે ત્રણ મેચોની વનડે શ્રેણી રમાશે. પ્રથમ વનડે 14 જૂને, બીજી 17 જૂને અને ત્રીજી 20 જૂને યોજાશે. આગામી ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ શ્રેણી ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે. સિનિયર ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીની હાજરી ટીમને મજબૂત બનાવશે.
વિરાટ કોહલીની રમવાની સંભાવના લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે, જ્યારે રોહિત શર્માની પસંદગી તેની ફિટનેસ પર આધારિત રહેશે. ટીમ મેનેજમેન્ટ આ શ્રેણી દરમિયાન યુવા ખેલાડીઓને પણ તક આપી શકે છે જેથી ભવિષ્ય માટે મજબૂત બેન્ચ તૈયાર થઈ શકે. અફઘાનિસ્તાન સામેની શ્રેણી પૂર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ પ્રવાસે જશે. ત્યાં ભારત બે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. પ્રથમ મેચ 26 જૂને અને બીજી 28 જૂને યોજાશે. આ શ્રેણી ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

જૂન મહિનાના આ વ્યસ્ત કાર્યક્રમ બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસે જશે, જ્યાં જુલાઈમાં વધુ મહત્વપૂર્ણ મુકાબલા રમાવાના છે. સતત ત્રણેય ફોર્મેટમાં રમાનારી મેચો દરમિયાન કેટલાક ખેલાડીઓ માટે આ સમય લિટમસ ટેસ્ટ સમાન રહેશે. ક્રિકેટપ્રેમીઓ માટે આગામી મહિનો સંપૂર્ણ રીતે ક્રિકેટના રંગમાં રંગાયેલો રહેશે.