સુરતના 4 પોલીસ કર્મીઓ વિદેશી દારૂની ખેપ મારતા ઝડપાયા

નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) એંધલ ગામ નજીક હાઇવે પર ફિલ્મી ઢબે પીછો કરીને સુરત ટ્રાફિક પોલીસના ચાર કર્મચારીઓ અને એક ખાનગી વ્યક્તિને વિદેશી દારૂૂની…

નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) એંધલ ગામ નજીક હાઇવે પર ફિલ્મી ઢબે પીછો કરીને સુરત ટ્રાફિક પોલીસના ચાર કર્મચારીઓ અને એક ખાનગી વ્યક્તિને વિદેશી દારૂૂની હેરાફેરી કરતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. સુરત ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ચાર પોલીસકર્મીઓ જ કાયદાના રક્ષકને બદલે ભક્ષક બનીને દારૂૂની ખેપ મારી રહ્યા હોવાની આ ઘટનાથી સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. હાઇવે પર ચેકિંગ દરમિયાન શંકાસ્પદ સ્વિફ્ટ કારને અટકાવવામાં આવતા તેમાંથી વિદેશી દારૂૂની કુલ 64 બોટલો મળી આવી હતી. આ તપાસ દરમિયાન આરોપીઓએ કાયદાનો કોઈ પણ ડર રાખ્યા વિના ફરજ પરના LCB જવાન સાથે ઉગ્ર ગાળાગાળી કરી હતી અને લાકડી વડે જીવલેણ હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી નાસી છૂટ્યા હતા.

સરકારી કર્મચારી પર હુમલો કરીને ભાગેલા આરોપીઓનો LCB પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને તાત્કાલિક વેસ્મા નજીક આવેલી નાઝ હોટલ પાસે કડક નાકાબંધી ગોઠવી દીધી હતી. પોલીસે સમયસૂચકતા વાપરીને નાકાબંધી દરમિયાન કારને આંતરીને પાંચેય આરોપીઓને દબોચી લીધા હતા. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે સ્વિફ્ટ કાર, વિદેશી દારૂૂની 64 બોટલો અને કબ્જે કરેલા મોબાઇલ ફોન સહિત કુલ ₹5.60 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાયદાનું પાલન કરાવવાની જવાબદારી જેમના શિરે છે તેવા પોલીસકર્મીઓ સામે જ ગંભીર ગુનો નોંધાતા પોલીસે કડક વલણ અપનાવ્યું છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ રાયોટિંગ, સરકારી કર્મચારીની ફરજમાં રૂૂકાવટ તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ શરમજનક ઘટનામાં પકડાયેલા આરોપીઓમાં સુરત રીજન-2ના ટ્રાફિક પોલીસકર્મી અંકિતભાઈ કમુભાઈ દેવડા, રીજન-3ના પીન્ટુભાઈ સાજાભાઈ ડુંગાઈસા, રીજન-2ના દિતાભાઈ માવાભાઈ ચૌહાણ અને રીજન-2ના રાહુલકુમાર બાબુભાઈ ધ્રાંગીનો સમાવેશ થાય છે, જ્યારે પાંચમો આરોપી દેવરાજભાઈ ઠાકરેજી રબારી વ્યવસાયે હીરા ઘસવાનું કામ કરતો ખાનગી વ્યક્તિ છે. આ ઘટનામાં ચારેય પોલીસ કર્મીને તુરંત સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવનારા જ જ્યારે આવી ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થાય ત્યારે મામલો અત્યંત ગંભીર બની જાય છે. હાલમાં નવસારી પોલીસે તમામ પાંચેય આરોપીઓની ધરપકડ કરીને લોકઅપમાં ધકેલી દીધા છે. પોલીસ વિભાગ દ્વારા આગામી સમયમાં દારૂૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, ક્યાં લઈ જવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે નહીં તે દિશામાં ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે.