કાતિલ દોરાથી ગળા કપાતા ચારના મોત

ઉત્તરાયણ પર્વ ચાલી રહ્યો છે. લોકો ઘરના ધાબા અને બિલ્ડિંગની છત પર ચડીને પતંગબાજીની મોજ માણી હતી. તેવામાં આ મજા કેટલાક માટે મોતની સજા બની…

ઉત્તરાયણ પર્વ ચાલી રહ્યો છે. લોકો ઘરના ધાબા અને બિલ્ડિંગની છત પર ચડીને પતંગબાજીની મોજ માણી હતી. તેવામાં આ મજા કેટલાક માટે મોતની સજા બની રહી છે. રાજ્યમાં ત્રણ જગ્યાએ વાહનચાલકો અને વાહનમાં આગળ બેસેલા એક બાળક સહિત 4ના ગળા કપાતા કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે પતંગ પકડવાની લહાયમાં એક બાળક સહિત બે લોકોએ જિંદગી ગુમાવી છે. જેમાં એક બનાવમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીએ અરવલ્લીના બાયડ પાસે એક યુવકનું ગળું કાપતાં લોહીલુહાણ થયો હતો અને તેનું મોત થયું હતું. તેવી જ રીતે ભરૂૂચના જંબુસરમાં બાઈકસવાર યુવકનું ગળું કપાતાં તેની પણ મોત થયું હતું.

ખંભાતના બદલપુર સેવરાપુરાના 8 વર્ષીય ધવલ કિશનભાઈ પરમાર પોતાના પિતા સાથે બાઈક પર બદલપુરથી રાલેજ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક પતંગની દોરી ગળામાં આવી જતાં તેમની મુખ્ય નસ કપાઈ ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ ધવલને તાત્કાલિક ખંભાત જનરલ હોસ્પિટલ લઈ જવાયો હતો.

આજ રીતે બાયડ તાલુકાના ચોઈલા ગામે મોપેડ પર પસાર થઈ રહેલા તીર્થ પટેલ નામના યુવકનું ગળામાં દોરી આવી જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ દરમિયાન અચાનક પતંગની જીવલેણ ચાઈનીઝ દોરી તેના ગળામાં આવી ગઈ હતી. દોરી એટલી તીક્ષ્ણ હતી કે યુવકનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું હતું અને તે લોહીલુહાણ હાલતમાં મોપેડ પરથી નીચે પટકાયો હતો.

જંબુસર તાલુકાના પીલુદરા ગામે પતંગની દોરી વાગવાથી એક યુવકનું કરુણ મોત થયું છે. મૃતક યુવકની ઓળખ રાહુલભાઈ કનુભાઈ પરમાર તરીકે થઈ છે. તેઓ પીલુદરા ગામના તીથોરા ખડકી વિસ્તારના રહેવાસી હતા. રાહુલભાઈ બાઈક પર જઈ રહ્યા હતા, ત્યારે અચાનક તેમના ગળામાં પતંગની દોરી વાગી હતી. દોરી વાગવાથી તેમનું ગળું કપાઈ ગયું હતું અને તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. વડોદરા શહેર અને જિલ્લામાં પતંગ ઉડાવવાના શોખમાં બેફામી અને બેદરકારીને કારણે બે દુ:ખદ મોતના બનાવો સામે આવ્યા હતાં. વાઘોડિયા રોડ પર આવેલા ગાયત્રી મંદિર સામે 33 વર્ષીય શંકર રાઠવા પોતાના ધાબા પર ઉતરાયણની ઉજવણી કરી રહ્યા હતા. ત્યારે તેમની પતંગ સામેની વીજ લાઈનમાં ફસાઈ ગઈ હતી. દરમ્યાન પતંગ કાઢવા માટે દોરી પકડવા ગયા ત્યારે વીજ તાર અડકતાં તેમને જોરદાર કરંટ લાગતા તેનુું મૃત્યુ નિપ્જ્યું હતું.

અન્ય એક ઘટનામાં સુરતના વેસુ વિસ્તારમાં રહેતાં 30 વર્ષિય યુવક મોપેડ પર પસાર થઈ રહ્યો હતો ત્યારે લાલાઘોડા વિસ્તારમાં પતંગની દોરી તેના ગળામાં ફસાઈ જતાં ગંભીર ઈજા થવાથી તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.

આજ રીતે વડોદરા જિલ્લાના કરજણ વિસ્તારમાં પણ એક કરુણ બનાવ બન્યો હતો. જેમાં 10 વર્ષીય હિમાંશુ કશ્યપ પતંગ પકડવા રસ્તા પર દોડ્યો હતો. આ દરમિયાન તે એક ઝડપથી આવતી કાર સાથે અથડાયો. બાળકને ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ સારવાર દરમિયાન તેનું અવસાન થયું હતું.

પતંગની દોરી ફસાતા પુલ ઉપરથી નીચે પટકાયેલા પિતા-પુત્રના મોત
સુરતમાં એક પરિવાર બ્રિજ પરથી નીચે પટકાતા પિતા-પુત્રીના મોત નીપજ્યાં છે. સુરતના વેડ રોડ અને અડાજણને જોડતા બ્રિજ પર સાંજના સમયે હચમચાવી નાખે તેવી ઘટના બની હતી. 35 વર્ષીય રેહાન પોતાની પત્ની અને 7 વર્ષની પુત્રી આયેશા સાથે સુભાષ ગાર્ડન ફરીને પરત ફરી રહ્યો હતો. બ્રિજ પર અચાનક પતંગની દોરી આડી આવતા રેહાને સંતુલન ગુમાવ્યું હતું. બાઈક ડિવાઈડર સાથે અથડાતા ત્રણેય સભ્યો બ્રિજ પરથી નીચે ખાબક્યા હતા. આ ભયાનક પછડાટમાં રેહાન અને માસૂમ આયેશાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પત્ની રેહાના નીચે ઉભેલી રિક્ષા પર પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.