‘ઉડતા રાજકોટ’: ત્રણ સ્થળેથી રૂા.28.68 લાખનો ગાંજો ઝડપાયો

રૂા.29.80 લાખના ગાંજા સાથે મહિલાને ઝડપી લેતી એસઓજી, ભાણેજનું નામ ખુલ્યુ: રેલવે સ્ટેશનેથી રૂા.4.87 લાખના ગાંજા સાથે પેડલર-ગ્રાહકની ધરપકડ સદરબજારમાં ઝઘડો થતાં પોલીસને બોલાવનાર શખ્સ…

રૂા.29.80 લાખના ગાંજા સાથે મહિલાને ઝડપી લેતી એસઓજી, ભાણેજનું નામ ખુલ્યુ: રેલવે સ્ટેશનેથી રૂા.4.87 લાખના ગાંજા સાથે પેડલર-ગ્રાહકની ધરપકડ

સદરબજારમાં ઝઘડો થતાં પોલીસને બોલાવનાર શખ્સ પાસેથી રૂા.51 હજારનો ગાંજો મળ્યો, સપ્લાયરની શોધખોળ

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે પોલીસ દ્વારા ’સે નો ટુ ડ્રગ્સ’ અભિયાન અંતર્ગત અત્યંત કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં એક જ દિવસમાં ત્રણ સ્થળેથી પોલીસે રૂૂ.28.68 લાખનો હાઈબ્રીડ સહિતનો ગાંજો ઝડપી લઇ મહિલા સહીત ચારને ઝડપી લીધા છે. રાજકોટ એસઓજી, રેલ્વે પોલીસ અને પ્ર.નગર પોલીસે શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે પેડલરો અને ગ્રાહક પોલીસના સકંજામાં આવ્યા છે.

પ્રથમ દરોડામાં એસ.ઓ.જી.ના પીએસઆઈ એમ.વી.જાડેજા અને તેમની ટીમે રૈયા રોડ પર દરોડો: 23.80 લાખના હાઇબ્રિડ ગાંજા સાથે કુખ્યાત મહિલાને ઝડપી લીધી હતી. રૈયા રોડ પર આવેલા યોગીરાજનગર શેરી નંબર-04, ગિરીરાજ એપાર્ટમેન્ટના બીજા માળે આવેલા ફ્લેટ નંબર-03 માં રહેતી પૂજાબેન સાગરભાઈ ભટ્ટ નામની મહિલાના ઘરે એસઓજીએ દરોડો પાડી વિદેશથી લાવેલ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. એસઓજીએ કુલ 680 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જેની કિંમત અંદાજે 23,80,000 રૂૂપિયા થાય છે તે કબજે કર્યો હતો. આ ગાંજો પૂજાનો ભાણેજ નામચીન સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અંકિતા દવેનો ભાઈ ગૌતમ વસંતભાઈ દવે લાવ્યો હોવાનું ખુલ્યું હતું. આ રેકેટમાં ગૌતમ વસંતભાઈ દવેની સંડોવણી સામે આવતા તેને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત, રાજકોટ રેલવે પોલીસ દ્વારા પણ ડ્રગ્સની હેરાફેરી કરનાર એક મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અમદાવાદથી ટ્રેન મારફતે ગાંજાનો મોટો જથ્થો લઈને આવેલા બિહારના શૈલેન્દ્રકુમાર કુશવાહા અને તેની પાસેથી ડિલિવરી લેવા માટે આવેલા મોરબીના રિક્ષાચાલક આરિફ આલમશાહ સાયદને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે તેમની પાસેથી રૂૂ. 4.37 લાખની કિંમતનો 8.750 કિલોગ્રામ ગાંજો, મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂૂ. 4.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રેલ્વેના ઇન્ચાર્જ ડીવાયએસપી એચ.એમ. રાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી. જે. જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફે બન્ને શખ્સોએ રેલ્વે સ્ટેશનથી ઝડપી લીધા હતા.

ત્રીજા દરોડામાં પ્ર.નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સદર બજાર વિસ્તારમાં અચાનક બોલાચાલી અને ઝઘડો થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. 112 જનરક્ષક ઇન્ચાર્જને મળેલા કોલના આધારે પોલીસ ટીમ તુરંત સદર બજાર સંતોષ સીઝન સ્ટોર સામે પહોંચી હતી. ત્યાં તપાસ દરમિયાન મોટી પાનેલીના આરાધના સોસાયટીમાં રહેતો કમલેશ લક્ષ્મણ પોપટ નામનો શખ્સ અને તેની સાથેના અન્ય શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. પોલીસને જોઈને આ શખ્સોએ પોતાની પાસે રહેલી પારદર્શક પ્લાસ્ટિકની કોથળીઓ રસ્તા પર ફેંકી દીધી હતી.

પ્ર.નગરના પી.આઈ મકવાણા સહિતના સ્ટાફે પકડાયેલ શખ્સની પૂછપરછ અને તપાસ હાથ ધરતા તે કોથળી માંથી 13.74 ગ્રામ હાઇબ્રિડ ગાંજો જેની કિંમત અંદાજે 48,000 રૂૂપિયા છે અને બીજી કોથળીમાંથી 75.97 ગ્રામ સૂકો ગાંજો જેની કિંમત અંદાજે 3,793 રૂૂપિયા છે મળી કુલ રૂૂ. 51,793 નો ગાંજો મળી આવ્યો હતો. પકડાયેલા શખ્સની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ નશીલો પદાર્થ તેને રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ રહેતા દેવેન મનોજ પંત નામના શખ્સે સપ્લાય કર્યો હતો. પ્ર.નગર પોલીસે આરોપી કમલેશની ધરપકડ કરી મુખ્ય સપ્લાયર દેવેન પંતને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. શહેર અને રેલ્વે પોલીસની આ કાર્યવાહીથી નશાનો કારોબાર કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.