ક્રાઇમ
ચોટીલા હાઇવે ઉપર કાર આડે ગાય આવી જતા માલધારી ઉપર ફાયરિંગ
ચોટીલા તાલુકાના સાંગાણી ગામ પાસે એક ગાય રસ્તેથી પસાર થતી કાર સામે આવી જતા પશુપાલક સાથે કારમાં સવાર વ્યક્તિઓએ બોલાચાલી કરી હતી. અને એક શખ્સે બે રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા. જેમાં પશુપાલકને હાથે ઈજા થતા સારવાર માટે રાજકોટ લઈ જવાયો છે. બનાવની જાણ થતા ચોટીલા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં ફાયરીંગના બનાવો સામાન્ય થઈ ગયા છે. થોડા દિવસ પહેલા સાયલા તાલુકાના સુદામડા ગામે અંધાધુધ ફાયરીંગનો બનાવ બન્યો હતો. ત્યારે ચોટીલા તાલુકામાં ફાયરીંગનો બનાવ સામે આવ્યો છે. મળતી માહીતી મુજબ ચોટીલા તાલુકાના સાંગાણી ગામે રહેતા 28 વર્ષીય ગોપાલભાઈ મયાભાઈ ટોળીયા પશુપાલન કરે છે. તા. 26મીના રોજ બપોરે તેઓ પશુઓ લઈને નેશનલ હાઈવે પરથી પસાર થતા હતા. ત્યારે સાયલાથી ચોટીલા તરફ જવાના રસ્તે કાંધાસર ગામ પાસે એક ફોર્ચ્યુનર કાર આગળ ગાય આવી ગઈ હતી. જેમાં ફોર્ચ્યુનર કારના ચાલક સહિત પ શખ્સોએ ઉતરી પશુપાલક સાથે બોલાચાલી કરી હતી.
જેમાં એક શખ્સે બંદુક કાઢી ર રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા. જેમાં ગોપાલભાઈ ટોળીયાને હાથે ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ દવાખાને લઈ જવાયા હતા. બનાવની જાણ થતા ચોટીલા પીઆઈ આઈ. બી. વલવી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને કાર ચાલક સહિત આરોપીઓની શોધખોળ આદરી હતી. બીજી તરફ રાજકોટ હોસ્પીટલ લઈ જઈ પોલીસ ટીમે ગોપાલભાઈના નિવેદનને આધારે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.