દિવાળીની રાતે બે કલાક, બેસતા વર્ષે 35 મિનિટ ફટાકડા ફોડી શકાશે

દિવાળી અને દેવ-દિવાળીના તહેવારોને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેરમાં અકસ્માતો રોકવા, આગની દુર્ઘટનાઓ ટાળવા અને વાયુ તથા ધ્વનિ પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા…

દિવાળી અને દેવ-દિવાળીના તહેવારોને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેરમાં અકસ્માતો રોકવા, આગની દુર્ઘટનાઓ ટાળવા અને વાયુ તથા ધ્વનિ પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેમાં દિવાળીની રાતે માત્ર બે કલાક અને બેસતા વર્ષે માત્ર 35 મિનીટ ફટાકડા ફોડી શકાશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ જારી કરાયેલ આ આદેશ આગામી 29 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી અમલમાં રહેશે. જોકે, દર વર્ષની જેમ આ વર્ષે પણ આ જાહેરનામું માત્ર કાગળ પર જ સીમિત રહેવાની ચર્ચાઓ જોર પકડી રહી છે.

પોલીસ કમિશનરના આદેશ અનુસાર, તહેવારો દરમિયાન ફટાકડા ફોડવાનો સમય મર્યાદિત કરવામાં આવ્યો છે, જેમાં દિવાળી અને દેવ-દિવાળી: રાત્રે 8:00 થી 10:00 વાગ્યા સુધી (માત્ર 2 કલાક) જ ફટાકડા ફોડી શકાશે. બેસતું વર્ષ (નૂતન વર્ષ): નવા વર્ષના દિવસે રાત્રે 11:55 થી મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધી (માત્ર 35 મિનિટ) જ ફટાકડા ફોડવાની છૂટ રહેશે. પરંતુ વાસ્તવિક સ્થિતિ એવી રહે છે કે દિવાળી અને બેસતા વર્ષના દિવસે મોડી રાત કે વહેલી પરોઢ સુધી ફટાકડા ફૂટતા જ રહેતા હોય છે, જેના કારણે આ જાહેરનામાની અસરકારકતા સામે હંમેશા સવાલો ઉભા થાય છે.

સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ના નિર્દેશોને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેરમાં માત્ર ’ગ્રીન ફાયર ક્રેકર્સ’ (ઓછા ઉત્સર્જનવાળા માન્ય ફટાકડા) ના વેચાણ અને ઉપયોગની જ છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક પ્રતિબંધો ફરમાવવા આવ્યા છે. જેમાં ભારે ઘોંઘાટવાળા ફટાકડા વધુ પ્રમાણમાં હવાનું પ્રદૂષણ અને ઘન કચરો પેદા કરતા સિરીઝ કે લડીવાળા ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ, ફટાકડાના ઉત્પાદનમાં બેરીયમ રસાયણના ઉપયોગ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે, કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડાની આયાત કે વેચાણ કરી શકાશે નહીં. તેમજ તમામ ઈ-કોમર્સ વેબસાઇટ્સ પર ઓનલાઇન ફટાકડા વેચવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શહેરમાં કોઈપણ સ્થળે ચાઇનીઝ તુક્કલ કે આતશબાજી બલૂન ઉડાડવા, સંગ્રહ કરવા કે વેચાણ કરવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે.

હાનિકારક ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે ’પેસો’ સંસ્થા દ્વારા અધિકૃત અને માન્ય ધ્વનિ સ્તર ધરાવતા જે 4 મીટરના અંતરે 125 ડેસિબલ કે 145 ડેસિબલ પીકેથી ઓછો અવાજ કરતા હોય ફટાકડા જ વેચી કે વાપરી શકાશે, જેના બોક્સ પર પેસો નું માર્કિંગ હોવું અનિવાર્ય છે. ઉપરાંત શહેરની તમામ કોર્ટ કચેરીઓ, હોસ્પિટલો, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો અને એરપોર્ટની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારને ’સાયલન્ટ ઝોન’ જાહેર કરાયા છે, જ્યાં ફટાકડા ફોડી શકાશે નહીં. તેમજ બજારો, સાંકડી શેરીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ, સી.એન.જી. પંપ અને એલ.પી.જી. ગોડાઉન જેવા જોખમી સ્થળોની આસપાસ પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવવા આવ્યો છે. આ જાહેરનામાનું પાલન કરાવવા માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. જો કોઈ ઇસમ આ હુકમનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રશાસન દ્વારા નાગરિકોને કાયદાનું પાલન કરી સુરક્ષિત રીતે તહેવાર ઉજવવા અપીલ કરાઈ છે.