વડોદરામાં આગજનીના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તેવામાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વૈભવી એટલાન્ટિક કોમ્પ્લેક્સના ચોથા માળે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.નાઈટમાં નોકરી કરતા આશરે 60 જેટલા યુવક યુવતીને ફાયરબ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ કરી નીચે ઉતાર્યા હતા. સમગ્ર લોબીમાં ધુમાડો ફેલાઈ જતા ફાયરબ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
વડોદરા શહેરના ગેંડા સર્કલ રોડ પર વડીવાડી વિસ્તારમાં એટલાન્ટિક કોમ્પ્લેક્સ આવેલું છે. અહીં ખાનગી કંપનીઓ પણ દિવસ રાત ચાલે છે. જેમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓ નોકરી કરે છે. મધરાત્રીએ અચાનક આ કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના બની હતી. જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વડીવાડી વિસ્તારમાં આવેલા એટલાન્ટિક કોમ્પ્લેક્સના ચોથા માળે આગ લાગતા કોમ્પ્લેક્સમાં હાજર સૌ કોઈના જીવ પડીકે બંધાયા હતા. ચોથે માળે આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોતેગોટા જોવા મળ્યા હતા.
બનાવની જાણ થતાં વડીવાડી ફાયરબ્રિગેડનાના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રથમ કોમ્પ્લેક્સમાં હાજર 60 જેટલા યુવક યુવતીઓને સહીસલામત નીચે ઉતાર્યા હતા. તપાસ કરતા ઈલેક્ટ્રીક પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જણાય આવ્યું હતું. જોકે આગના કારણે સમગ્ર લોબીમાં ધુમાડો પ્રસરી જતા ફાયરબ્રિગેડના જવાનોને આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સદ નસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે આગની લપેટમાં કેબલ વાયર બળીને ખાખ થઈ ગયા હતા.

