મેટોડામાં EPP કંપનીના કચરામાં વિકરાળ આગ, રાજકોટ સુધી ધૂમાડા દેખાયા

પ્લાસ્ટિકના વેસ્ટ સ્ટોરેજમાં આગ ભભૂકતા ફાયરબ્રિગ્રેડનો મેજર કોલ, પાંચ ફાયર ફાઇટર્સ કામે લાગ્યા રાજકોટના ઔદ્યોગિક હબ ગણાતા મેટોડા જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં આજે એક ભયાનક આગની…

પ્લાસ્ટિકના વેસ્ટ સ્ટોરેજમાં આગ ભભૂકતા ફાયરબ્રિગ્રેડનો મેજર કોલ, પાંચ ફાયર ફાઇટર્સ કામે લાગ્યા

રાજકોટના ઔદ્યોગિક હબ ગણાતા મેટોડા જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં આજે એક ભયાનક આગની દુર્ઘટના સર્જાઈ હતી. જીઆઈડીસીના ગેટ નંબર 1 પાસે આવેલી જાણીતી ઇપીપી (EPP) કંપનીની બરોબર સામે ખુલ્લા પ્લોટમાં રહેલા વેસ્ટના જથ્થામાં અચાનક આગ ફાટી નીકળી હતી.આ આગ એટલી વિકરાળ હતી કે તેના કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊંચે સુધી ઉડતા જોવા મળ્યા હતા. નવાઈની વાત એ હતી કે આગની તીવ્રતાને કારણે ધુમાડાના આ ગોટેગોટા પાંચ કિલોમીટર દૂર સુધી સ્પષ્ટપણે જોઈ શકાતા હતા, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ અને કુતૂહલનું વાતાવરણ સર્જાયું હતું.

આ ગંભીર ઘટનાની સૌપ્રથમ જાણ સ્થાનિક જાગૃત નાગરિક સુનિલ ડાભી દ્વારા કરવામાં આવી હતી. તેમણે તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને જાણ કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું. પ્રાથમિક અહેવાલો મુજબ, આ આગ ત્યાં પડેલા રબર વેસ્ટ અને પ્લાસ્ટિકના ભંગારમાં લાગી હતી. પ્લાસ્ટિક અને રબર જેવા જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગે પળવારમાં રૌદ્ર સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું. આગની ભયાનકતા જોતા આસપાસના કારખાનાઓમાં પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હતી, જેને પગલે તાકીદે રાહત અને બચાવ કામગીરી શરૂૂ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કુલ પાંચ ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આગમાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર મળ્યા નથી, જે એક મોટી રાહતની વાત છે. જોકે, આગને કારણે મોટા પ્રમાણમાં વેસ્ટ બળીને ખાખ થઈ ગયો છે અને બાજુની ફેક્ટરીઓની દીવાલો તથા મિલકતને નુકસાન થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આગની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસનો કાફલો અને ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.

સુરક્ષાના ભાગરૂૂપે પોલીસે અસરગ્રસ્ત વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. હાલમાં ફાયરબ્રિગેડ દ્વારા ’કૂલિંગ’ની પ્રક્રિયા અને આગને સંપૂર્ણપણે ઠારવાની કામગીરી ચાલી રહી છે.

એક વર્ષ પૂર્વે પણ આ જ સ્થળે આગ લાગી’તી
મેટોડા જીઆઈડીસી ગેઈટ નં.-1માં આવેલી ઈપીપી કંપની સામે ખુલ્લા પ્લોટમાં પડેલા સામાનમાં આગ ભભુકી ઉઠી છે. ત્યારે એક વર્ષ પૂર્વે પણ આ જ સ્થળે સામાનમાં આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. ત્યારે પણ આગે મોટુ સ્વરૂપ ધારણ કરી લેતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા નજરે પડયા હતાં. ફાયર બ્રિગેડની ટીમો દ્વારા ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જે ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. ત્યારે એક વર્ષ પછી ફરી એ જ સ્થળે આજે આગ ભભુકી ઉઠતાં ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.