ઉપલેટામાં રસ્તામાં શૌચ કરવા જેવી નજીવી બાબતનો ખાર રાખીને પિતા-પુત્રએ મળીને એક જેસીબી ચાલક પર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ ઉપલેટા પોલીસ મથકે નોંધાઈ છે. આ હુમલામાં ચાલકને ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેના વાહનને પણ નુકસાન કરવામાં આવ્યું છે.
મળતી વિગતો મુજબ ડ્રાઈવિંગ કરતા રામભાઈ દેવાભાઈ ગોજીયા (ઉં.વ. 52)એ કરેલી પોલીસ ફરિયાદમાં લાલાભાઈ વિંજવા અને તેના પિતા વજશીભાઈ ગોવાભાઈ વિંજવાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તે ગઈકાલે સવારે નેશનલ હાઇવે નજીક નાનુભાઈ પટેલની વાડીએ જેસીબી લઈને કામ અર્થે ગયા હતા. બપોરના સમયે કુદરતી હાજતે જવા માટે તેઓ રસ્તાની સાઈડમાં બેઠા હતા.
તે દરમિયાન ત્યાંથી પસાર થતા લાલાભાઈ વજશીભાઈ વિંજવા નામના શખ્સે ’અહીં રસ્તામાં કેમ શૌચ કરો છો?’ તેમ કહી રામભાઈ સાથે બોલાચાલી કરી હતી. જોકે, તે સમયે રામભાઈએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી અને મામલો થાળે પડ્યો હોય તેમ જણાતું હતું. પરંતુ, આ બાબતનો મનમાં ખાર રાખીને આરોપી લાલાભાઈ વિંજવા અને તેના પિતા વજશીભાઈ ગોવાભાઈ વિંજવા સાંજના સાડા સાતેક વાગ્યે ધોકા સાથે વાડીએ ધસી આવ્યા હતા. જ્યારે રામભાઈ પોતાનું કામ પૂરું કરી હિસાબ કરી રહ્યા હતા, ત્યારે આ બંને શખ્સોએ અચાનક હુમલો કરી દીધો હતો. આરોપીઓએ જેસીબીના કાચ તોડી નાખ્યા હતા અને ફરિયાદીનો મોબાઈલ ફોન પણ તોડીને નુકસાન પહોંચાડ્યું હતું.
હુમલા બાદ આસપાસના લોકો અને ટ્રેક્ટર ચાલકો વચ્ચે પડતા આરોપીઓ નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત રામભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ઉપલેટા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
