પિતા કે શેતાન?: 11 માસના પુત્રને ઉંબરા સાથે ભટકાડી હત્યાનો પ્રયાસ

કોટડા સાંગાણી તાલુકાના વાછરા ગામે માનવતાને શર્મસાર કરતી અને હૃદય કંપાવી દે તેવી એક ઘટના સામે આવી છે. પત્ની સાથેના ઘરેલુ ઝઘડા અને શંકાના વહેમમાં…

કોટડા સાંગાણી તાલુકાના વાછરા ગામે માનવતાને શર્મસાર કરતી અને હૃદય કંપાવી દે તેવી એક ઘટના સામે આવી છે. પત્ની સાથેના ઘરેલુ ઝઘડા અને શંકાના વહેમમાં એક નિર્દય પિતાએ પોતાના જ 11 માસના માસૂમ પુત્રને જાનથી મારી નાખવાના ઈરાદે ઘરના ઉંબરા સાથે ભટકાડી હત્યાનો પ્રયાસ કર્યો છે. આ હુમલામાં માસૂમ બાળકને માથાના ભાગે હેમરેજ અને જમણા હાથમાં ફ્રેક્ચર જેવી અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી છે. આ મામલે બાળકની માતાએ આરોપી પતિ વિરુદ્ધ કોટડા સાંગાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગતો અનુસાર, વાછરા ગામે રહેતા કાજલબેન રણજીતભાઈ પરમારે પોતાના પતિ રણજીત ઉર્ફે ટીનો હસમુખભાઈ પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી પતિ રણજીત પોતાની પત્ની કાજલબેનના ચારિત્ર્ય પર શંકા રાખી અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. પતિના આ અસહ્ય ત્રાસથી કંટાળીને કાજલબેન પોતાના બાળકોને પતિ પાસે મૂકીને પોતાના માતા-પિતાના ઘરે રિસામણે જતા રહ્યા હતા.

આ દરમિયાન કાજલબેનના દિયર રવીભાઈ પરમારે તેમને ફોન કરીને જાણ કરી હતી કે, રણજીતે તેમના 11 માસના પુત્ર રાજને માર મારી હાથમાં ઈજા પહોંચાડી છે અને તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે. આ સમાચાર મળતા જ કાજલબેન તાત્કાલિક રાજકોટ હોસ્પિટલ દોડી ગયા હતા, પરંતુ ત્યાં જઈને જાણવા મળ્યું હતું કે આરોપી રણજીત બાળકને હોસ્પિટલમાંથી રજા અપાવીને પરત ઘરે લઈ ગયો છે.
ત્યારબાદ ફરી એકવાર દિયર રવીભાઈએ ફોન કરીને કાજલબેનને જણાવ્યું કે પુત્ર રાજની તબિયત વધુ લથડી છે અને બરાબર નથી. પોતાના માસૂમ દીકરાની ચિંતામાં કાજલબેન વાછરા ગામે સાસરે પહોંચ્યા હતા.

કાજલબેનને ઘરે આવેલા જોઈને આરોપી રણજીત ઉશ્કેરાઈ ગયો હતો અને “તારે અહીંયા આવવું નહીં” તેમ કહી ઝઘડો શરૂૂ કર્યો હતો. જ્યારે કાજલબેને પોતાના દીકરાને મળવાની જીદ કરી ત્યારે આરોપીએ તેમની સાથે ઝપાઝપી કરી લાકડી વડે માર મારી શરીરે મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો.
આ સમગ્ર ઘટના અંગે કાજલબેનની પુત્રી જ્યોતીએ માતાને હકીકત જણાવી હતી કે, પિતા રણજીત ગુસ્સામાં બોલતા હતા કે “તારી માએ અને તેં ઉપાડો લીધો છે, આજે તો તને પતાવી જ દેવો છે.” આમ કહીને ક્રૂર પિતાએ રાજનો પાટો બાંધેલો હાથ પકડીને તેને જાનથી મારી નાખવાના ઈરાદે જોરથી ઉંબરા સાથે ભટકાડ્યો હતો. જેના કારણે માસૂમને માથામાં હેમરેજ, જમણા હાથે ફ્રેક્ચર અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. હાલ કોટડા સાંગાણી પોલીસે આરોપી પિતા વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.