રેસકોર્સ રિંગરોડ પર ‘પે એન્ડ યુઝ’ શૌચાલયમાં દારૂની મહેફિલ, એજન્સીને દંડ અને નોટિસ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા માટે પે એન્ડ યુઝ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જો કે, આ શૌચાલયોના સંચાલનની કામગીરી ખાનગી એજન્સીઓને સોંપાયા બાદ જાહેર…

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા માટે પે એન્ડ યુઝ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જો કે, આ શૌચાલયોના સંચાલનની કામગીરી ખાનગી એજન્સીઓને સોંપાયા બાદ જાહેર સુવિધાની આડમાં અનૈતિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાના અનેક કિસ્સાઓ અગાઉ પણ પ્રકાશમાં આવી ચૂક્યા છે. શહેરમાં ફરી એકવાર આવો જ ગંભીર મામલો સામે આવ્યો છે, જેમાં રેસકોર્સ રિંગરોડ પર આવેલા પે એન્ડ યુઝ શૌચાલયમાં રાત્રિના સમયે દારૂૂની મહેફિલ જામતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

મળતી માહિતી અનુસાર, રેસકોર્સ રિંગરોડ પર ઇન્ક્મટેક્સ ઓફિસની બરાબર સામે આવેલા પે એન્ડ યુઝ શૌચાલયને લઈને સ્થાનિક સ્તરે ગંભીર ફરિયાદ ઊઠી છે. જે ખાનગી કોન્ટ્રાક્ટરને આ શૌચાલયના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી છે, તેના પરપ્રાંતિય માણસો રાત્રિના સમયે નિર્ધારિત સમય કરતાં વહેલા શૌચાલયને તાળા મારી દેતા હોવાનું જાણવા મળ્યું છે. શૌચાલય બંધ કરી દીધા બાદ આ કર્મચારીઓ અંદર જ નિરાંતે દારૂૂની મહેફિલ માણતા હોવાની ફરિયાદ ઉઠતાં જાહેર સુવિધાના દુરુપયોગનો મુદ્દો સપાટી પર આવ્યો છે.

આ સમગ્ર મામલે ફરિયાદ મહાનગરપાલિકાના પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી સુધી પહોંચી હતી. જાહેર શૌચાલયમાં ચાલતી દારૂૂની મહેફિલ અને સમય પહેલાં તાળાબંધી કરવાની ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકીએ તાત્કાલિક પગલાં ભર્યા છે. તેમણે સંબંધિત સંચાલન એજન્સીને આર્થિક દંડ ફટકાર્યો છે તેમજ કડક શબ્દોમાં નોટિસ પણ પાઠવી છે.

મનપા દ્વારા આપવામાં આવેલી આ નોટિસમાં સંચાલક એજન્સીને સ્પષ્ટ અને કડક ચેતવણી આપવામાં આવી છે. નોટિસમાં જણાવાયું છે કે શૌચાલય નિયમ મુજબ રાત્રે 12 વાગ્યા સુધી નાગરિકોના ઉપયોગ માટે ખુલ્લું રાખવું ફરજિયાત છે. જો રાત્રે 12 વાગ્યા સુધી શૌચાલય ખુલ્લું રાખવામાં નહીં આવે અને નિયમોનો ભંગ થશે, તો એજન્સીને બ્લેકલિસ્ટ કરવા સહિતની કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જાહેર સ્થળોએ આવી અનૈતિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે મનપાના તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. રેસકોર્સ રિંગરોડ જેવા વ્યસ્ત અને મહત્વના વિસ્તારમાં આવેલા પે એન્ડ યુઝ શૌચાલયમાં બનેલી આ ઘટના બાદ અન્ય સંચાલન એજન્સીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

આગામી દિવસોમાં શૌચાલયોના સમયપત્રક અને કામગીરી પર તંત્ર દ્વારા વધુ કડક દેખરેખ રાખવામાં આવે તેવી શક્યતા છે, જેથી શહેરીજનોને નિયત સમય સુધી સુવિધા મળી રહે અને આવી ગેરપ્રવૃત્તિઓ પર લગામ કસી શકાય.

શૌચાલય આસપાસ ફેંકાય છે દેશી દારૂની કોથળી અને વિદેશી બ્રાન્ડની બોટલો
રિંગરોડ પર જે જગ્યાએ પે એન્ડ યુઝ ટોયલેટ લે તેની પાછળના ભાગે સીધુ જ મેળાનું મેદાન અને ઓપન એર થિયેટરનો ભાગ આવે છે. પાછલા બારણેથી દારૂૂડિયાઓને પે એન્ડ યુઝ ટોયલેટમાં પ્રવેશવા માટે અનુકુળ હોય મહેફિલ માટે કોન્ટ્રાક્ટરના માણસો સુવિધા પુરી પાડતા હોવાની પણ એક ફરિયાદ સામે આવી છે. મહેફિલ માણ્યા બાદ દેશી દારૂૂની કોથળીઓ અને વિદેશી બ્રાન્ડની બોટલ સહિતના અવશેષો શૌચાલયની આસપાસ મેદાનમાં જ ફેંકી દેવામા આવે છે.