રાજુલા-જાફરાબાદમાં 3.5નો ભૂકંપ આવતા મકાનમાં તિરાડો પડી: 72 કલાકમાં 13 આંચકાથી ગ્રામજનો ભયભીત
સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠા બાદ ઉનાળાની શરૂઆત થઇ છે ત્યારે ચૈત્ર માસના અંતમાં અમરેલી પંથકમાં સતત ત્રીજા દિવસે 3.5નો ભુકંપ આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. રાજુલા-જાફરાબાદમાં ભુકંપના આંચકાથી મકાનોમાં તિરાડ પડી હતી. 72 કલાકમાં 13 વખત ધરતી ધ્રુજતા લોકોના જીવ પડીકે બંધાયા છે.ગાંધીનગર સિસમોલોજી વિભાગના જણાવ્યા પ્રમાણે, અમરેલીના રાજુલા અને જાફરાબાદ સહિતના વિસ્તારોમાં ગઈકાલે મોડી રાત્રે 2.25 વાગ્યે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવા નોંધાયું હતું. રાજુલા, પીપાવાવ, ખાંભા અને સાવરકુંડલામાં અસર થઈ હતી. આ ઉપરાંત મહુવામાં પણ ભૂકંપની અસર થઈ હતી.રાજુલામાં કેટલાક મકાનોમાં તિરાડો પડી હતી. અડધી રાત્રે આવેલા ભૂકંપના સીસીટીવી પણ સામે આવ્યા છે. મહુવામાં પણ રાત્રે 2.24 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્રબિંદુ મહુવાથી 32 કિ.મી દૂર નોંધાયું હતું. ભૂકંપ આવતા અડધી રાત્રે લોકોના મોબાઈલ ફોન રણકવા લાગ્યા હતાં.
ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે પણ આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવા હોવાની પુષ્ટી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા અમરેલીના સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં ચાર કલાકમાં ભૂકંપના સાત આંચકા આવતા લોકોમાં ભય ફેલાયો હતો. મીતીયાળા પંથકમાં ભાડ, નાનુંડી, ધજડી, સાકરપુરા અને વાંકિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. બે દિવસ પહેલા સવારે 4.15 મિનિટે 1.8 તીવ્રતા, સવારે 4.16 મીનીટે 2.3ની તીવ્રતા, સવારે 4.24 કલાકે 1.0ની તીવ્રતા, સવારે 4.57 મીનીટે 1.4ની તીવ્રતા, સવારે 7 કલાકે 2.2ની તીવ્રતા, સવારે 7.15 મિનિટે 3.58ની તીવ્રતા અને સવારે 7.51 મિનિટ 1.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિ.મી દૂર નોંધાયું હતું.
મીતિયાળામાં 30 કલાકમાં 14 આંચકા
અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં ધરતીના પેટાળમાં સતત થઈ રહેલી હલચલને કારણે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં છેલ્લા 30 કલાકની અંદર નાના-મોટા ભૂકંપના કુલ 14 જેટલા આંચકા અનુભવાયા છે. એકસાથે આટલા બધા આંચકાઓ આવતા સ્થાનિક લોકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. સિસ્મોલોજી વિભાગના આંકડા મુજબ, રાત્રિના અંધકારમાં પણ ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો હતો. રાત્રે 1:14 મિનિટે 3.0 ની તીવ્રતાનો એક મોટો આંચકો આવતા મીઠી ઊંઘ માણી રહેલા ગ્રામજનો સફાળા જાગી ગયા હતા અને જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા. ત્યારબાદ રાત્રે 1:37 કલાકે 1.1 ની તીવ્રતાનો અને સવારે 8:58 વાગ્યે ફરી 1.5 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આંચકાઓના કારણે ભાડ, વાંકીયા, ધજડી, સાકરપારા, ઇંગોરાળાના ગ્રામજનો ભયભીત થયા છે.
8 એપ્રિલે આવ્યા 7 આંચકા
વહેલી સવારે 04:15 વાગ્યે 8 ની તીવ્રતા
વહેલી સવારે 04:16 વાગ્યે 3 ની તીવ્રતા
વહેલી સવારે 04:24 વાગ્યે 0 ની તીવ્રતા
વહેલી સવારે 04:57 વાગ્યે 4 ની તીવ્રતા
સવારે 07:00 વાગ્યે 2 ની તીવ્રતા
સવારે 07:15 વાગ્યે 58ની તીવ્રતા (સૌથી મોટો આંચકો)
સવારે 07:51 વાગ્યે 5 ની તીવ્રતા

