ભગવતીપરામાં બાઈક ધીમું ચલાવવા બાબતે ઠપકો આપતા પિતા-પુત્ર પર છરી અને પથ્થર વડે હુમલો

શહેરના ભગવતીપરામાં આવેલી નંદનવન સોસાયટીમાં મારામારીની ઘટના સામે આવી છે. ગત તારીખ 6 મે, 2026 ના રોજ સાંજના આશરે સાડા સાતેક વાગ્યે બનેલી આ ઘટનામાં,…

શહેરના ભગવતીપરામાં આવેલી નંદનવન સોસાયટીમાં મારામારીની ઘટના સામે આવી છે. ગત તારીખ 6 મે, 2026 ના રોજ સાંજના આશરે સાડા સાતેક વાગ્યે બનેલી આ ઘટનામાં, કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા 35 વર્ષીય મોહંમદયાસીન મનસૂરી અને તેમના પિતા મોહંમદકલામભાઈ પર પાડોશમાં જ રહેતા બે શખ્સોએ હુમલો કર્યો હતો.

આ મામલે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વારીસ અને મોઈન નામના શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી નંદનવન સોસાયટીમાં રહેતા મોહંમદયાસીનના જણાવ્યા અનુસાર, તેમનો 12 વર્ષનો દીકરો ઘરની બહાર રમતો હતો ત્યારે વારીસ નામનો શખ્સ પૂરઝડપે બાઇક લઈને નીકળ્યો હતો અને બાળકને અડફેટે લેતા રહી ગયો હતો. આ બાબતે મોહંમદયાસીને વારીસને અગાઉ પણ સમજાવ્યો હતો અને ફરીથી ટોકતા તેને મનદુ:ખ થયું હતું. આ જૂની અદાવતનો ખાર રાખીને વારીસ તેના મિત્ર મોઈન સાથે મોટરસાયકલ પર આવ્યો હતો. આરોપીઓએ સૌપ્રથમ ફરિયાદીના વૃદ્ધ પિતાને ધક્કો મારી નીચે પાડી દીધા હતા.

ત્યારબાદ વારીસે પેન્ટના નેફામાંથી છરી કાઢી મોહંમદયાસીનને પીઠના ડાબા ભાગે ઘા ઝીંકી દીધો હતો, જ્યારે મોઈને પથ્થરના છુટા ઘા મારી મોઢાના અને હાથના ભાગે મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. હુમલા બાદ બંને આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સર્જરી વિભાગમાં સારવાર ચાલી રહી છે. બી-ડીવીઝન પોલીસે આ મામલે બી.એન.એસ.ની કલમ 115(2), 118(1), 54 અને જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શરદકુમાર શ્યોરાને સોંપવામાં આવી છે.