મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીના કર્મચારી પર ઘાતક હુમલો: છરીના ઘા મારી ચાર શખ્સો ફરાર

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ડેરાછીકારી ગામના યુવક પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીમાં શિફ્ટ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા…

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ડેરાછીકારી ગામના યુવક પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીમાં શિફ્ટ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા અજયસિંહ ગુલાબસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ કંપનીના અન્ય કર્મચારી સાથે થયેલા મનદુ:ખનો ખાર રાખી આરોપીઓએ અગાઉથી કાવતરું રચી હુમલો કર્યો હતો.

ફરિયાદ મુજબ તા. 9 જૂન 2026ના રોજ અજયસિંહ જાડેજા અને તેમના સહકર્મી વિનોદભાઈ રાઠોડ મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીમાં ફરજ પૂર્ણ કરી મોટરસાયકલ પર પોતાના ગામ ડેરાછીકારી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન કાનાછીકારી ગામના તળાવના પુલ પાસે એક કાળા રંગની સ્વિફ્ટ કાર (નંબર જીજે-37-એબી-1702) ના ચાલકે ઇરાદાપૂર્વક તેમની મોટરસાયકલને ટક્કર મારી હતી.

મોટરસાયકલ પરથી નીચે પટકાયા બાદ કંપનીમાં ટ્રેક્ટર ડ્રાઇવર તરીકે કામ કરતા હરીશભાઈ ખેતસીભાઈ દોસાણી તથા તેની સાથે આવેલા આશરે 20 થી 30 વર્ષની ઉંમરના ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. ફરિયાદીનો આક્ષેપ છે કે હરીશ દોસાણીએ પેન્ટના નેફામાંથી છરી કાઢી જમણા પડખા, જમણા પગના સાથળના ભાગે અને ગોઠણમાં ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. સાથે આવેલા અન્ય આરોપીઓએ કાચની બોટલોના ટુકડા ફેંકી હુમલો કર્યો હતો, જેમાં એક બોટલ ફરિયાદીના જમણા કાન પાસે વાગતા ઇજા પહોંચી હતી. ઉપરાંત આરોપીઓએ ફરિયાદીને હાથ-પગ અને શરીરના અન્ય ભાગોમાં ઢીકાપાટુનો માર પણ માર્યો હતો.

હુમલા બાદ ફરિયાદી જીવ બચાવવા કંપનીના બાયોમાસ ગેટ તરફ દોડી ગયા હતા, પરંતુ આરોપીઓ ત્યાં સુધી તેમનો પીછો કરીને ફરી હુમલો કરવા પહોંચ્યા હતા. જોકે કંપનીના ગેટ પાસે લોકો ભેગા થઈ જતા ચારેય આરોપીઓ સ્વિફ્ટ કારમાં ફરાર થઈ ગયા હતા.

ઇજાગ્રસ્ત અજયસિંહ જાડેજાને 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના જમણા પડખા, જમણા પગના વિવિધ ભાગો તેમજ કાન પાસે ગંભીર ઇજાઓની સારવાર ચાલી રહી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હરીશ દોસાણી કંપનીમાં ટ્રેક્ટર ચલાવતો હતો અને ટ્રેક્ટર નિર્ધારિત જગ્યાએ ખાલી ન કરતાં ફરિયાદીએ આ બાબતની જાણ કંપનીના વોટ્સએપ ગ્રુપમાં કરી હતી. આ રજૂઆતનો ખાર રાખી આરોપીએ અન્ય શખ્સો સાથે મળીને હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસે હરીશભાઈ ખેતસીભાઈ દોસાણી અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.