ભાવનગરમાં RTO ‘ઇ-ચલણ’ ફાઇલ ડાઉનલોડ કરતા વેપારીના ખાતામાંથી 7.89 લાખ ઉપડી ગયા

ભાવનગર શહેરમાં ડિજિટલ ફ્રોડનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિજયરાજ નગર વિસ્તારમાં રહેતા એક વેપારીના વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી આવેલી લિંક દ્વારા…

ભાવનગર શહેરમાં ડિજિટલ ફ્રોડનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિજયરાજ નગર વિસ્તારમાં રહેતા એક વેપારીના વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી આવેલી લિંક દ્વારા એપીકે (APK) ફાઈલ ઈન્સ્ટોલ કરાવી, મોબાઈલનો એક્સેસ મેળવીને સાયબર ગઠિયાઓએ ચાર અલગ-અલગ બેંક ખાતાઓમાંથી કુલ રૂ.7,87,612/- ની ઓનલાઈન મતાની ઉઠંતરી કરી લીધી હોવાની ફરિયાદ ભાવનગર સાયબર ક્રાઈમ વિભાગમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સાયબર ક્રાઈમના આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, વિજયરાજ નગરમાં રહેતા અને ઓઈલની દુકાન ધરાવતા હાર્દિકભાઈ ભરતભાઈ સંઘવી ગત તા. 05/02/2026ના રોજ સાંજે પોતાના વોટ્સએપ પર હતા. તે દરમિયાન અજાણ્યા મોબાઈલ નંબર (9098973599) પરથી તેમને “”RTO E CHALLAN.APK”નામની એક ફાઈલ મોકલવામાં આવી હતી. હાર્દિકભાઈએ આ એપ્લિકેશન લિંક પર ક્લિક કરી તેને ફોનમાં ઈન્સ્ટોલ કરી હતી. એપ્લિકેશન ઈન્સ્ટોલ થતાંની સાથે જ વેપારીનું વોટ્સએપ એકાઉન્ટ બંધ થઈ ગયું હતું અને તેમના મોબાઈલ પર એમેઝોન, પૈસાબજાર અને વન મની જેવી એપ્લિકેશન્સના ઓટીપી (OTP) મેસેજ આવવા લાગ્યા હતા.

વેપારી કંઈ સમજે વિચારે ત્યાં સાયબર ગુનેગારોએ વેપારીના મોબાઈલનો ડેટા હેક કરીને કોટક મહિન્દ્રા બેંકના એચ.યુ.એફ., સગીર પુત્ર સાક્ષીના તેમજ ભાઈ સાથેના જોઈન્ટ એકાઉન્ટ સહિત કુલ 4 ખાતાઓમાંથી કટકે-કટકે રૂૂ. 7.87 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. વેપારીએ તાત્કાલિક બેંકનો સંપર્ક કરી સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. આ અંગે હાર્દિકભાઈએ ભાવનગર પોલીસમાં કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા સાયબર ઠગ વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.