શહેરના કુવાડવા રોડ પર જૂની અદાવત રાખીને એક વેપારી પર છરીના આડેધડ ઘા ઝીંકી જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા વેપારી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ મામલે રાયોટિંગ અને હુમલા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદની વિગતો મુજબ,સદર બજાર વિસ્તારમાં રહેતા અને ચિકનની દુકાન ચલાવી ગુજરાન ચલાવતા 35 વર્ષીય ઇમરાનભાઈ ગફારભાઈ ચૌહાણ ગઈકાલે બપોરે પોતાના કામ અર્થે મોટરસાયકલ લઈને કુવાડવા રોડ તરફ જઈ રહ્યા હતા. બપોરના આશરે સવા ત્રણ વાગ્યાની આસપાસ કુવાડવા રોડ પર શિવશક્તિ એન્ટરપ્રાઇઝ પાસે તેઓ પોતાના મિત્રો સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે તેમના જ ફોઈનો દીકરો ફારૂૂક યુસુફભાઈ કટારીયા અન્ય પાંચ અજાણ્યા શખ્સો સાથે ત્યાં ધસી આવ્યો હતો. અગાઉ કુવાડવા પોલીસ સ્ટેશનમાં થયેલી એક ફરિયાદની જૂની અદાવત રાખીને ફારૂૂકે ગાળાગાળી શરૂૂ કરી હતી. સમાધાનનો પ્રયાસ કરવા છતાં ઉશ્કેરાયેલા હુમલાખોરોએ હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું હતું.
હુમલાખોરો પૈકીના ફારૂૂક અને તેના બે સાથીદારોએ પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરીઓ કાઢી ઇમરાનભાઈ પર આડેધડ હુમલો કર્યો હતો. આરોપીઓએ વેપારીના માથાના પાછળના ભાગે અને શરીરના અન્ય ભાગો પર છરીના ઘા ઝીંક્યા હતા. હુમલાના અંતે ફારૂૂકે ઇમરાનભાઈની પીઠના ભાગે મણકા પાસે સીધો છરીનો ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ઇમરાનભાઈ પોતાનો જીવ બચાવવા ગલીમાં ભાગ્યા ત્યારે અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ રસ્તા પર પડેલા પથ્થરો વડે તેમના પર હુમલો કર્યો હતો. આ દરમિયાન મિત્રોએ વચ્ચે પડીને તેમનો જીવ બચાવ્યો હતો, જ્યારે તમામ છ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
ગંભીર રીતે ઘવાયેલા ઇમરાનભાઈને તાત્કાલિક પ્રથમ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વેદાંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બી-ડીવીઝન પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 118(1), 189(2), 189(4), 352, 54 તેમજ જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતકુમાર પરમારે આ કેસની તપાસ હાથ ધરી છે.
