અણિયારા ગામમાં જમીનના રસ્તાના વિવાદમાં ખેડૂતને ધમકી: પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો

શહેરના આજીડેમ પાસે આવતા અણીયારા ગામમાં જમીનના રસ્તા પર માટી પૂરવા બાબતે થયેલા વિવાદમાં એક 71 વર્ષીય વૃદ્ધ ખેડૂતને જાનથી મારી નાખવાની અને પગ ભાંગી…

શહેરના આજીડેમ પાસે આવતા અણીયારા ગામમાં જમીનના રસ્તા પર માટી પૂરવા બાબતે થયેલા વિવાદમાં એક 71 વર્ષીય વૃદ્ધ ખેડૂતને જાનથી મારી નાખવાની અને પગ ભાંગી નાખવાની ધમકી આપવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. વધુ વિગતો મુજબ,અણીયારા ગામના સ્વામિનારાયણ મંદિર પાછળ રહેતા ચનાભાઈ આંબાભાઈ પડારીયાએ આ અંગે ગામના જ પાંચ શખ્સો સામે આજીડેમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચનાભાઈએ જણાવ્યું કે તેઓ ખેતીકામ કરીને પોતાનું જીવન વિતાવે છે અને આ વિવાદ તેમની માલિકીની જમીનમાંથી પાણીના નિકાલ માટે બનાવેલા રસ્તાના કારણે શરૂૂ થયો હતો.

ફરિયાદની વિગતો અનુસાર, ચનાભાઈ અને તેમના ભાઈઓની અણીયારા ગામમાં સર્વે નંબર 136/1 પૈકી 3 ની ખેતીની જમીન આવેલી છે. આ જમીનમાંથી ચોમાસાના પાણીના નિકાલ માટે તેઓએ પોતાના અંગત ખર્ચે રસ્તો બનાવેલો હતો, જેનો ઉપયોગ તેઓ પરંપરાગત રીતે કરતા હતા. જો કે, ગામના અન્ય ખેડૂતો બાલાભાઈ આંબાભાઈ ડોડ, ગણેશભાઈ આંબાભાઈ ડોડ અને અન્ય શખ્સો આ રસ્તાને ખરાબાની જમીન ગણાવી ત્યાંથી પસાર થવા બાબતે વિવાદ કરતા હતા.

આ મામલે સામાવાળાઓએ રાજકોટ મામલતદાર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જેમાં કોર્ટે ગત 13 માર્ચ 2026ના રોજ સામાવાળાઓને આવવા-જવા માટે ગાડા મારગ ખુલ્લો રાખવાનો હુકમ કર્યો હતો. આ હુકમ બાદ, ગત 3 એપ્રિલ 2026ના રોજ સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ આરોપીઓ જેસીબી અને ટ્રેક્ટર વડે આ રસ્તા પર માટીનું પુરાણ કરી રહ્યા હતા, જેથી ખેતરના પાણીનો નિકાલ બંધ થઈ જાય તેમ હતો. આથી ચનાભાઈ અને તેમના ભત્રીજાઓએ ત્યાં જઈને વિનંતી કરી હતી કે, માટી એવી રીતે પૂરો જેથી ખેતરના પાણીનો નિકાલ બંધ ન થાય અને કોઈને નુકશાન ન થાય. આ વાત સાંભળતા જ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ચનાભાઈ તથા તેમના ભત્રીજાઓને બિભત્સ ગાળો આપી ’અહીંથી જતા રહો, નહીંતર તમારા ટાટીયા ભાંગી નાખીશું’ તેવી ગંભીર ધમકી આપી હતી.

આ બનાવના પંદરેક દિવસ બાદ જ્યારે ચનાભાઈ મોટરસાઈકલ લઈને અણીયારાથી ત્રંબા તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં આરોપી છગનભાઈ બાલાભાઈ ડોડે તેમને વચ્ચે રોકીને મામલતદારમાં અરજીઓ કરવા બાબતે ફરીથી ગાળો આપી ધમકાવ્યા હતા. સતત મળતી ધમકીઓ અને ખેતરમાં નુકશાન થવાની ભીતિથી કંટાળીને આખરે વૃદ્ધ ખેડૂતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં બાલાભાઈ, ગણેશભાઈ, મુકેશભાઈ, રાજેશભાઈ અને છગનભાઈ વિરુદ્ધ વિગતવાર ફરિયાદ નોંધાવી છે.