સરધારની ચકચારી ઘટના, સ્યુસાઈડ નોટ લખી જીવ ટૂંકાવી લીધો! સુતેલી હાલતમાં જ મોત નિપજતાં હત્યાની પણ શંકા
બે મિત્રો સહિત છ શખ્સોની ટોળકીનું હિન કૃત્ય, કૂતરા સાથે ધરાર સેકસ કરાવી વીડિયો ઉતાર્યો, વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલિંગ કર્યુ
રાજકોટની ભાગોળે આવેલા સરધાર ગામે રહેતા અને ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા 50 વર્ષીય પ્રોઢ હરિભાઈ રાજાભાઈ જાદવનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હરિભાઈ પોતાની બાળપર ગામે આવેલી વાડીએ ગયા બાદ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા, તેમના બંને પુત્રો મયુર અને શૈલેષ વાડીએ તપાસ કરવા પહોંચ્યા હતા. ત્યાં જઈને જોતાં પિતા હરિભાઈ વાડીમાં બેભાન હાલતમાં પડ્યા હતા. ચિંતાતુર પરિવારે તેમને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ ચોંકાવનારી ઘટનાની જાણ થતાં જ આજીડેમ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મોતનું સાચું કારણ જાણવા માટે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. મૃતક હરિભાઈને સંતાનમાં બે દીકરા અને ત્રણ દીકરીઓ છે.
આ સમગ્ર મામલામાં મૃતક પ્રોઢના પુત્ર મયુરે પોલીસ સમક્ષ પિતાના મોત અંગે અત્યંત ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. મયુરના જણાવ્યા અનુસાર, હરિપર ગામનો રવજી ગોબર સોઢા અને બાળપર ગામનો નરેશ લાખા સોઢા, જેઓ તેના પિતા હરિભાઈના મિત્રો હતા, તેમણે અન્ય સાગરીતો સાથે મળીને પિતાને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો હતો. આરોપીઓએ હરિભાઈને વાડીએ નગ્ન કરી, તેમના વાંધાજનક ફોટા અને વીડિયો પાડી લીધા હતા. આ ફોટા-વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને અગાઉ 20,000 રૂૂપિયા પડાવી લીધા હતા. આટલાથી ન અટકતા આરોપીઓ વારંવાર પિતા પાસે વધુ નાણાંની માંગણી કરીને સતત ધાક-ધમકીઓ આપતા હતા.
પુત્રએ વધુમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, પિતા જ્યારે રાત્રિના સમયે વાડીએ પાણી વાળવા જતા ત્યારે આરોપીઓ ત્યાં આવીને તેમની સાથે મારપીટ કરતા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે આરોપીઓએ પિતા હરિભાઈને વાડીએ બોલાવી, ડરાવી-ધમકાવીને કૂતરા સાથે સૃષ્ટિ વિરૂૂદ્ધનું શારીરિક સંબંધ બાંધવાનું કુદરત વિરોધી કૃત્ય કરવા મજબૂર કર્યા હતા. આ અત્યંત શરમજનક અને ઘૃણાસ્પદ કૃત્યનો વીડિયો પણ આરોપીઓએ પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધો હતો. ગઈકાલે મયુર પર આરોપી નરેશનો ફોન આવ્યો હતો અને તેણે ધમકીભર્યા સ્વરમાં કહ્યું હતું કે, “તારા પિતા પાસેથી અમે પૈસા માંગીએ છીએ, તે પૈસા તું આપી દેજે.” આ વાતની જાણ જ્યારે મયુરે પોતાના પિતાને કરી ત્યારે હરિભાઈ ભારે આઘાત અને માનસિક તણાવમાં સરી પડ્યા હતા.નબળી આર્થિક સ્થિતિ અને બદનામીના ડરથી પરેશાન થઈને પિતાએ પુત્રને એમ પણ કહ્યું હતું કે, આપણે આપણી વાડી વેચીને પણ તેમને પૈસા આપી દઈએ જેથી આ ત્રાસમાંથી મુક્તિ મળે. ત્યારબાદ રાત્રિના સમયે આરોપીઓએ ફરી ફોન કરીને ચા-પાણી પીવાના બહાને હરિભાઈને વાડીએ બોલાવ્યા હતા, જેથી તેઓ પોતાનો મોબાઈલ ઘરે જ મૂકીને વાડીએ ગયા હતા અને પછી જીવતા પાછા ફર્યા નહોતા.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એન.પટેલ તેમજ ડિ સ્ટાફનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસે હાલ પૂરતો ગુનો નોંધીને ઝીણવટભરી તપાસ શરૂૂ કરી દીધી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલમાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ ઘટના સ્યુસાઇડ એટલે કે આપઘાતની છે કે પછી કોઈ ષડયંત્રના ભાગરૂૂપે હત્યા કરવામાં આવી છે, તે તમામ દિશાઓમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.
ત્રણ મહિના પહેલા પરિવારે પૂછપરછ કરી ત્યારે આરોપીએ કહ્યું,આ વાતો પાયાવિહોણી છે!
આ ગંભીર ઘટના અંગે પુત્ર મયુરે ખુલાસો કર્યો હતો કે, આશરે ત્રણ મહિના પહેલા પણ હરિપરના રવજી ગોબર સોઢા, બાળપરના નરેશ લાખા સોઢા અને તેમની સાથેના કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા પિતા હરિભાઈને અવારનવાર હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપો સામે આવ્યા હતા. જોકે, તે સમયે પરિવારે હરિભાઈની આ વાતોને ગંભીરતાથી સ્વીકારી નહોતી. બાદમાં પરિવારે આ શંકાસ્પદ આરોપીઓને રૂૂબરૂૂ બોલાવીને પૂછપરછ પણ કરી હતી, પરંતુ તે સમયે ચતુર આરોપીઓએ પોતાનો વાંક ન હોય તેમ આ તમામ વાતો તદ્દન ખોટી અને પાયાવિહોણી હોવાનું કહીને મામલો રફેદફે કરી દીધો હતો.
હરિભાઈની સ્યુસાઇડ નોટમાંથી ખૂલ્યું બ્લેકમેઇલિંગનું ‘રાઝ’
મૃતક હરિભાઈએ મોત વહાલું કરતા પહેલા લખેલી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે, જેમાં તેમણે પોતાની આપવીતી વર્ણવતા ગંભીર આક્ષેપો કર્યા છે. સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, “મને રવજી અને નરેશ અવારનવાર ખૂબ જ હેરાન પરેશાન કરે છે. તેઓ રાત્રિના સમયે ચા-પાણી પીવાના બહાને વાડીએ બોલાવી, મને નગ્ન કરી, કૂતરાઓ સાથે સૃષ્ટિ વિરૂૂદ્ધનું કૃત્ય કરાવી મારા સેક્સી વીડિયો બનાવી લે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને તેઓ મારી પાસે સતત પૈસાની પઠાણી ઉઘરાણી કરે છે. હું આ લોકોના અસહ્ય ત્રાસ અને બદનામીથી કંટાળી ગયો છું, તેથી આપઘાત કરું છું.” વધુમાં નોટમાં ઉલ્લેખ છે કે આ કાળા કરતુતમાં રવજી અને નરેશ સિવાય બીજા ચાર અજાણ્યા લોકો પણ સામેલ છે.
