Site icon Gujarat Mirror

સુરતમાં EVMના ચેકિંગ સમયે જ બખેડો, 14 મત નાખ્યા ને મશીનમાં 18 બતાવ્યા

શહેરના ઉધ ના ત્રણ રસ્તા નજીક આવેલી એકેડમીમાં ઇવીએમ (EVM) ચેકિંગ પ્રક્રિયા દરમિયાન અચાનક જ ભારે હોબાળો મચી ગયો હતો. વોર્ડ નંબર 25, 26 અને 27 માટે ચાલી રહેલા ઇવીએમ ટેસ્ટિંગ દરમિયાન મતોમાં તફાવત જોવા મળતા રાજકીય પક્ષોના કાર્યકર્તાઓએ ગંભીર આક્ષેપો કર્યા હતા. મળતી માહિતી મુજબ, ચેકિંગ દરમિયાન માત્ર 14 મતો નાખવામાં આવ્યા હોવા છતાં મશીનમાં 18 મતો દર્શાવાતા સવાલો ઊભા થયા હતા. આ તફાવત સામે આવતા જ સ્થળ પર હાજર કાર્યકર્તાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને વાતાવરણ તંગ બન્યું હતું.

કાર્યકર્તાઓએ ઇવીએમમાં ટેકનિકલ ખામી હોવાની કે પછી છેડછાડ થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. કેટલાક કાર્યકર્તાઓએ ચેકિંગ પ્રક્રિયાની પારદર્શકતા પર સીધા સવાલો ઉઠાવ્યા હતા અને ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિનો આક્ષેપ કર્યો હતો. ઘટનાના પગલે સ્થળ પર ભારે ગભરાટ ફેલાયો હતો અને વિરોધ નોંધાવતા કાર્યકર્તાઓએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. આ હોબાળાને કારણે ઇવીએમ ચેકિંગ પ્રક્રિયામાં પણ વિક્ષેપ આવ્યો હતો. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે સ્થાનિક અધિકારીઓએ હસ્તક્ષેપ કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ, ચૂંટણી અધિકારીઓ દ્વારા મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને ટેકનિકલ ખામી કે અન્ય કારણો અંગે સ્પષ્ટતા કરવા પ્રયાસો ચાલી રહ્યા છે. જો કે, કાર્યકર્તાઓએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

આ ઘટનાને કારણે સુરત શહેરની રાજકીય હવામાં ફરીથી ગરમાવો આવી ગયો છે. ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને પારદર્શકતા અંગે ઉઠેલા પ્રશ્નો હવે આગામી દિવસોમાં વધુ ગંભીર સ્વરૂૂપ લઈ શકે છે. હાલ, સમગ્ર મામલે અધિકારીઓની સત્તાવાર પ્રતિક્રિયા આવવાની રાહ જોવામાં આવી રહી છે.

Exit mobile version