ગુજરાત

નકલી CMO અધિકારી વિરાજ પટેલ આસામ-મિઝોરમ બોર્ડરથી ઝડપાયો

Published

on

વિરાજ પટેલે ગુજરાતમાં સીએમઓમાં કામ કરતો હોવાનું કહી મુંબઇની મહિલાને ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બન્ને ગંભીર ગુનામાં વડોદરા પોલીસે વિરાજ પટેલ નામના શખ્સની ધરપકડ કરી હતી. જોકે તે પોલીસ જાપતામાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસ પકડે નહીં એ માટે તેણે વિવિધ રાજ્યોમાં આશ્રય લીધો હતો.વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આસામ-મિઝોરમ બોર્ડર પરથી તેને પકડી પાડવામાં આવ્યો છે.
ગાંધીનગરમાં રહેતા વિરાજ પટેલ સામે વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. મુંબઇની મહિલા સાથે દુષ્કર્મ અને પોતાને સીએમઓ ઓફીસમાં કામ કરતો હોવાનું જણાવી મહિલા સાથે છેતરપિંડી કરી હતી. તેની સામે નોંધાયેલા ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને સેસન્સ કોર્ટમાં મુદ્દત હોવાથી તેને કોર્ટમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાંથી તે પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. ગંભીર ગુનાનો આરોપી ફરાર થઇ જતાં જાપ્તાના પોલીસ સબ ઇન્સપેક્ટર અને પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.આરોપીને ઝડપી પાડવા વડોદરા ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની જૂદી-જૂદી ટીમો દ્વારા 500 જેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. વિરાજ પટેલ સાથે સંકળાયેલા લોકો પર વોચ રાખવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચને તપાસ દરમિયાન આરોપી વિરાજ વડોદરાથી અમદાવાદ અને ત્યાંથી છતીસગઢ, બિહાર, ત્રિપુરા પહોંચ્યો હતો. ત્યાંથી આસામ- મિઝોરમ બોર્ડર પર આશ્રય લઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તે વિદેશ ભાગી જવાની પેરવીમાં હોવાનું પણ જાણવા મળ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પણ વિરાજ જ્યાં જ્યાં આશ્રય લઇ રહ્યો હતો ત્યાં ત્યાં વોચ ગોઠવવામાં આવી હતી અને છેવટે તે આસામ-મિઝોરમ બોર્ડર પરથી ઝડપાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version