જગતના તાત ગણાતા ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દેતા અને તેમના પાકને નુકસાન પહોંચાડતા નકલી ખાતર-બિયારણ અને જંતુનાશક દવાઓના કાળા કારોબાર સામે રાજકોટ ગ્રામ્ય પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામની સીમમાં ધમધમતા નકલી ખેતીવાડી દવાઓ બનાવવાના એક કારખાના પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને દિલ્હીની કંપનીના અધિકારીએ સંયુક્ત દરોડો પાડીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે નકલી દવાઓનો જથ્થો તેમજ નામાંકિત કંપનીઓના ડુપ્લીકેટ સ્ટિકરો સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પડધરી તાલુકાના તરઘડી ગામની સીમમાં આવેલા હરિશ્રી ક્રોપ સાયન્સ નામના કારખાનામાં ખેતીવાડીને લગતી નકલી દવાઓનું ગેરકાયદેસર ઉત્પાદન અને પેકિંગ કરવામાં આવતું હોવાની હકીકત સામે આવી હતી. એક નામાંકિત એગ્રો કંપનીના પ્રતિનિધિઓને બાતમી મળી હતી કે તેમની કંપનીની બ્રાન્ડના નામે બજારમાં નકલી જંતુનાશક દવાઓનું ડુપ્લીકેશન થઈ રહ્યું છે. આ બાતમીની ખરાઈ કર્યા બાદ કંપનીના અધિકારીઓએ તાત્કાલિક પડધરી પહોંચીને રાજકોટ ગ્રામ્ય એસઓજીનો સંપર્ક સાધ્યો હતો.
એસઓજીના પીએસઆઈ જી.જે.ઝાલા અને તેમની ટીમે અને કંપનીના પ્રતિનિધિઓની ટીમે સંયુક્ત રીતે આયોજનબદ્ધ રીતે તરઘડી સીમમાં આવેલા ઉક્ત કારખાના પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કારખાનાની અંદર નકલી દવાઓ તૈયાર કરવાની અને તેના પર અસલી જેવા દેખાતા સ્ટિકર ચોંટાડવાની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ખુલ્યું હતું. પોલીસે સ્થળ પરથી અંદાજે રૂૂપિયા 11,000ની કિંમતની નકલી જંતુનાશક દવાઓનો જથ્થો તેમજ અલગ-અલગ બ્રાન્ડના 6,800 જેટલા ડુપ્લીકેટ સ્ટિકરો કબજે કર્યા હતા.
આ સમગ્ર મામલે જે કંપનીની દવાઓનું ડુપ્લીકેશન કરવામાં આવી રહ્યું હતું, તેના લીગલ એડવાઈઝર પોતે ફરિયાદી બન્યા છે. તેમની ફરિયાદના આધારે પડધરી પોલીસ મથકમાં કારખાનાના સંચાલક વિશાલ રમેશભાઈ ડોબરિયા (રહે. હરિપર, તા. પડધરી) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ આરોપી વિશાલ ડોબરિયાને નોટિસ પાઠવીને આગળની તપાસ તેજ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ચોમાસા અને શિયાળુ પાકની સિઝન દરમિયાન ખેડૂતો મોંઘા ભાવની જંતુનાશક દવાઓ ખરીદતા હોય છે. આવા સમયે લેભાગુ તત્વો દ્વારા નકલી દવાઓ બજારમાં પધરાવી દઈને ખેડૂતો સાથે સીધી છેતરપિંડી કરવામાં આવે છે. નકલી દવાઓના છંટકાવથી પાકમાં જીવાત નિયંત્રણમાં આવવાને બદલે ઊલટાનું પાકને નુકસાન થાય છે, જેના કારણે ખેડૂતોને આર્થિક પાયમાલી વેઠવાનો વારો આવે છે. હાલ પડધરી પોલીસ અને એસઓજી દ્વારા એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે કે આ કારખાનું કેટલા સમયથી કાર્યરત હતું, નકલી દવા બનાવવા માટેનો કાચો માલ ક્યાંથી લાવવામાં આવતો હતો અને આ તૈયાર થયેલો નકલી માલ કયા-કયા વિસ્તારના વેપારીઓ કે ખેડૂતો સુધી પહોંચાડવામાં આવ્યો છે. પોલીસની આ કડક કાર્યવાહીથી નકલી બિયારણ અને દવાઓનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
