ઝેરી દવાની અસર હેઠળ દાખલ થયેલ યુવક વોર્ડમાંથી બહાર નીકળી ઓપીડી સામે સૂઇ ગયો, સિક્યુરિટી સ્ટાફે દારૂડિયો ગણાવી બહાર ફેંકયો
સિવિલ સર્જનનું કોઇએ ધ્યાન દોરતા સ્ટાફને ખખડાવી ફરી દાખલ કરાવ્યો, માનવતાને શરમાવે તેવી ઘટનાથી ભારે ખળભળાટ
હંમેશા વિવાદોમાં રહેતી સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલ વધુ એક ગંભીર વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં બે દિવસથી રહેતા એક અશકત અને બિમાર દર્દીને સારવાર આપવાના બદલે હોસ્પિટલના સ્ટાફે માનવતા નેવે મુકી આ અર્ધબેભાન રહેલા દર્દીને ટીંગાટોળી કરી હોસ્પિટલની બહાર જ રોડની ફૂટપાથ ઉપર મરવા માટે ત્યજી દેતા ભારે દેકારો મચી જવા પામેલ છે અને સિવિલ હોસ્પિટલના તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
જો કે, મોડેથી આ અંગે સિવિલ સર્જન ડો.મોનાલી માકડીયાનુ કોઇએ ધ્યાન દોરતા તેમણે સ્ટાફને ખખડાવી નાખ્યો હતો અને રોડ ઉપર પડેલા દર્દીને ફરી ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરાવી સારવાર શરૂ કરાવી હતી.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના રાજચરાડી ગામેથી ગઇકાલ તા. 2 જૂલાઇએ 1.45 વાગ્યે વહેલી સવારે ગણેશ રામલાલ કટારા નામનો 30 વર્ષનો શ્રમિક યુવાન ઝેરી દવાની અસર સાથે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. આ દરમિયાન સવારે સારવાર દરમિયાન આ યુવક વોર્ડમાથી બહાર નીકળી ગયો હતો અને રાતભર ઓ.પી.ડી.ની બહાર સુતેલો નજરે પડ્યો હતો.
ઝેરી દવાની અસરના કારણે અર્ધબેભાન અવસ્થામાં ઓ.પી.ડી. વોર્ડની બહાર કમ્પાઉન્ડમાં પડેલા આ યુવકને સારવાર માટે વોર્ડમાં દાખલ કરવાના બદલે સિક્યુરિટી સ્ટાફે માનવતા નેવે મુકી હતી અને દારૂડિયો પડ્યો છે. તેમ જણાવી આજે સવારે સાતેક વાગ્યા આસપાસ કમ્પાઉન્ડમાં સુતેલા શ્રમિક યુવાનની ટીંગાટોળી કરી હોસ્પિટલ સામે આવેલી એસ.બી.આઇના ગેઇટ નજીક ફૂટપાથ ઉપર મરવા છોડી દીધો હતો અને નિર્દયતા પૂર્વક સિક્યોરિટી સ્ટાફ કંઇ બનયુ ન હોય તેમ રવાના થઇ ગયો હતો.
આ ઘટના સવારે અનેક લોકોએ નજરે નિહાળી હતી પરંતુ સિક્યુરિટી સ્ટાફે દારૂડિયો હોવાનુ જણાવી વાત ઉડાવી દીધી હતી. જો કે, સવારે મોટેથી સિવિલ હોસ્પિટલમાં રાઉન્ડમાં નીકળેલા સિવિલ સર્જન ડો.મોનાલી માકડિયાને આ ઘટના અંગે કોઇએ ધ્યાન દોરતા તેમણે હાજર સિક્યુરિટી સ્ટાફને ખખડાવી રોડની ફૂટપાથ ઉપર પડેલા દર્દીને તાત્કાલીક વોર્ડમાં ફરી દાખલ કરાવ્યો હતો.આ ઘટના પરથી હોસ્પિટલમાં કેટલુ અંધેર અને સંવેદનહિન છે તેનો અંદેશો મળી શકે છે. ઝેરી દવાની અસર હેઠળ દાખલ થયેલ શ્રમિકની જિંદગીની કોઇ કિંંમત ન હોય તેમ આ એકલા સારવાર માટે આવેલા દર્દીને સારવાર આપી સ્વસ્થ કરવાના બદલે મરવા માટે રોડ ઉપર ફેંકી દેવો તે બાબત જ ચોંકાવનારી અને ધૃજાવી દેનારી છે. ત્યારે ફરી આવી ઘટના બને નહીં તે માટે આ બનાવની ઉચ્ચ તપાસ કરી જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે. સંવેદનશિલ સરકાર પણ આ ઘટનામાં થોડી સંવેદના દાખવે તે જરૂરી છે.
