Site icon Gujarat Mirror

પૂર્વ ભાગીદારે કાર અને 8 લાખ પરત નહીં કરતા યુવકે વખ ઘોળ્યું

શહેરમાં આજીડેમ ચોકડી પાસે આવેલા ભરવાડ નેશમાં રહેતા યુવાને પૂર્વ ભાગીદાર કાર અને રૂપિયા 8 લાખ આપતો નહીં હોવાના આક્ષેપ સાથે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટની આજીડેમ ચોકડી નજીક આવેલા ભરવાડનેશમાં રહેતા મનીષ દેવાભાઈ ભૂવા નામનો 27 વર્ષનો યુવાન સાંજના સાડાસાતેક વાગ્યાના અરસામાં આજીડેમના ગેઈટ પાસે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ સીવીલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર મનિષ ભુવા અને નવાગામમાં રહેતા વિક્રમ નાથાભાઈ વાંક બન્ને પાટનરમાં ડમ્પરનો ધંધોકરતા હતાં અને ભાગીદારી છૂટી થયા બાદ મનીષ ભુવાએ ચાર ડમ્પર વિક્રમ વાંકને આપી દીધા હતાં. અને વિક્રમ વાંક મનિષભૂવાની કાર લઈ ગયો હતો તે કાર અને પરત કરેલા ડમ્પરના હિસાબના રૂપિયા 8 લાખ આપતો નહીં હોવાની પોલીસમાં અડધો ડઝન જેટલી અરજીઓ કરવા છતાં વિક્રમ વાંક રૂપિયા અને કાર આપતો નહીં હોવાની અને પોલીસ કાર્યવાહી નહીં કરતી હોવાનો આક્ષેપ કર્યો છે. આ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version