અમદાવાદમાં કોંગ્રેસના મહિલા હોદ્દેદારોનો ધજાગરો
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદેશના નેતાઓએ ભાગબટાઈ કરી પોતાના લોકોને ટિકિટ આપી હોવાના અત્યાર સુધી આક્ષેપો થતા હતા, પરંતુ આ બાબતને સમર્થન આપતી એક ઘટના ગુરુવારે રાત્રે રખિયાલ-સરસપુર વોર્ડમાં બની છે. વોર્ડના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાતે પહોંચેલા શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલને રખિયાલ-સરસપુર વોર્ડ પ્રમુખ ભાવના ગુપ્તાએ લાફા ઝીંકી દેતા સનસનાટી મચી ગઈ હતી.
વોર્ડ પ્રમુખે આક્ષેપ કર્યો છે કે, શહેર પ્રમુખ સોનલબેને મહાપાલિકાની ટિકિટ અપાવવાના પાર્ટી ફંડના નામે એક લાખ રૂૂપિયા લીધા હતા, પરંતુ ટિકિટ બીજાને ફાળવવામાં આવી હતી.
વોર્ડ પ્રમુખ ભાવનાબેન ગુપ્તા કાર્યાલય પર પહોંચ્યા હતા. તેમણે શહેર પ્રમુખ સોનલબેન સાથે ટિકિટ અપાવવા બાબતે વાતચીત કરી ત્યારે વાતાવરણ તંગ બની ગયું હતું કોઈ કંઈ સમજે તે પહેલા જ બધાની હાજરીમાં ઉશ્કેરાયેલા ભાવનાબેનં સોનલબેનને બે તમાચા ઝીંકી દીધા હતા. જોકે, ભાવનાબેને કરેલા આક્ષેપો મુજબ, તેમનું નામ વોર્ડના ત્રણ ઉમેદવારોની પેનલમાં મૂકવામાં આવ્યું હતું. તેમાંથી આખરી પસંદગી માટે પ્રદેશ સમિતિને યાદી મોકલવાની હતી ત્યારે તેમણે અમદાવાદ શહેરના કોંગ્રેસના એક પૂર્વ ધારાસભ્યને તેમની ભલામણ કરવા રજૂઆત કરી હતી.
જોકે, આ નેતાએ તેમને શહેર મહિલા પ્રમુખ સમક્ષ રજૂઆત કરવા જણાવ્યું હતું. દરમિયાન વોર્ડ પ્રમુખે સોનલબેનને રજૂઆત કરતા તેમણે ચૂંટણી લડવા માટે જરૂૂરી ફંડ ઉપરાંત એક લાખ રૂૂપિયા પાર્ટી ફંડ આપવું પડે તેમ જણાવ્યું હતું. દરમિયાન ભાવનાબેન પાર્ટી ફંડ આપવા સંમત થયા હતા. એક ખાનગી કેબ સર્વિસની મોટરમાં આવેલા સોનલબેનને અમદાવાદના એક સ્થળે મળીને એક લાખ રૂૂપિયા આપ્યા હોવાનો દાવો કરતા ભાવનાબેન કહે છે કે, તેમનું નામ રખિયાલ વોર્ડની યાદીમાં ન આવતા તેમણે જ્યારે શહેર પ્રમુખનો સંપર્ક કર્યો ત્યારે તેમને ઈસનપુર વોર્ડમાં ચૂંટણી લડવાની ઓફર કરવામાં આવી હતી. વળી, મને એ વોર્ડની કંઈ ખબર પણ નથી તેથી ઈસનપુર વોર્ડમાં ચૂંટણી લડવાનો કોઈ મતલબ નથી.
અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલે તેમના ડ હેન્ડલ પર આ ઘટના અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, તેમની સામે કરવામાં આક્ષેપો ખોટા છે. તેમણે પાર્ટી ફંડ કે અન્ય કોઈ પૈસા લીધા નથી. મારા નામે ભાવનાબેન પાસેથી અન્ય કોઈએ પૈસા લઈને છેતરપિંડી કરી હોય તો તેઓ પોલીસ ફરિયાદ કરી શકે છે.

