વાંગચૂકની ભૂખ હડતાળ: સરકારે સંવેદનશીલતા દાખવી વાતચીત કરવી જોઇતી હતી

ભારત અને વિશ્વભરમાં ભૂખ હડતાળ દ્વારા પ્રણાલીગત પરિવર્તન લાવવાના પ્રયાસોના ઉદાહરણોથી ઇતિહાસ ભરેલો છે. સ્વતંત્રતા પછી, બંધારણમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર સમાવિષ્ટ હતો, જે શાંતિપૂર્ણ વિરોધને…

ભારત અને વિશ્વભરમાં ભૂખ હડતાળ દ્વારા પ્રણાલીગત પરિવર્તન લાવવાના પ્રયાસોના ઉદાહરણોથી ઇતિહાસ ભરેલો છે. સ્વતંત્રતા પછી, બંધારણમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર સમાવિષ્ટ હતો, જે શાંતિપૂર્ણ વિરોધને પણ મંજૂરી આપે છે. બંધારણ દરેક નાગરિકને સરકાર, સંસ્થાઓ અથવા અન્ય જૂથોની નીતિઓ અને નિર્ણયો અંગે કાયદાની મર્યાદામાં રહીને અસંમતિ વ્યક્ત કરવાનો અધિકાર આપે છે. આ જોતાં, પ્રશ્ન ઊભો થાય છે: શું કોઈ વ્યક્તિને બળજબરીથી ભૂખ હડતાળ કરતા અટકાવી શકાય છે? બીજો એક પ્રશ્ન ઉભો થયો છે કે ઉપવાસનું શસ્ત્ર પ્રખંડ લોકસમર્થનના અભાવે બુઠું થઇ ચુકયું છે કે કેમ? જ્યારે ભૂખ હડતાળ દેશની વ્યવસ્થામાં સુધારા પર કેન્દ્રિત હોય છે ત્યારે આ મામલો વધુ સંવેદનશીલ, ગંભીર અને મહત્વપૂર્ણ બની જાય છે. શનિવારે બનેલી ઘટના, જ્યાં પોલીસે દિલ્હીના જંતર મંતર પર વીસ દિવસથી ભૂખ હડતાળ પર રહેલા વાતાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકને બળજબરીથી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા – તે ઘણા પ્રશ્નો ઉભા કરે છે.

હકીકતમાં, NEET પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ’કાક્રોચ જનતા પાર્ટી’ દ્વારા આયોજિત જંતર-મંતર ખાતે હાલમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. પ્રદર્શનકારીઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને શિક્ષણ પ્રણાલીમાં વ્યાપક સુધારાની માંગ કરી રહ્યા છે. સોનમ વાંગચુકે આ માંગણીઓના સમર્થનમાં ભૂખ હડતાળ શરૂૂ કરી હતી. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે સરકાર ઉકેલ શોધવા માટે વિરોધીઓ સાથે વાતચીત કરશે; તેના બદલે, પોલીસે વાંગચુકને બળજબરીથી હોસ્પિટલમાં દાખલ કર્યા. આ સ્વાભાવિક રીતે પ્રશ્ન ઊભો કરે છે: શું સરકાર ખરેખર વાંગચુકના સ્વાસ્થ્ય વિશે ચિંતિત છે, કે પછી આ ફક્ત આંદોલનનો અવાજ દબાવવાનો પ્રયાસ છે? દેશમાં એવા અસંખ્ય ઉદાહરણો છે જ્યાં સરકાર અથવા તેના પ્રતિનિધિઓએ વિરોધીઓ સાથે વાતચીત કરીને અને તેમનો વિશ્વાસ જીતીને ભૂખ હડતાળ સમાપ્ત કરી છે.

તો પછી, સરકારે આ કિસ્સામાં વિરોધીઓ સાથે વાતચીત શરૂૂ કરવાની જરૂૂર કેમ ન અનુભવી, બળજબરીથી ભૂખ હડતાળ સમાપ્ત કરવાનું પસંદ કર્યું? એ સાચું છે કે સોનમ વાંગચુકની લાંબી ભૂખ હડતાળને કારણે તેમની તબિયત બગડતી હતી. ભૂખ હડતાળ અંગે, દિલ્હી હાઈકોર્ટે નિર્દેશ આપ્યો હતો કે જીવન કિંમતી છે અને વાંગચુકના સ્વાસ્થ્ય પર નજર રાખવી જોઈએ. પોલીસ હવે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાને યોગ્ય ઠેરવવા માટે આ નિર્દેશનો ઉલ્લેખ કરી રહી છે. જોકે, આ સંદર્ભમાં, 2024 ના સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં લેવું પણ જરૂૂરી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભૂખ હડતાળ પર રહેલા વ્યક્તિના જીવનની સુરક્ષા કરવાની સરકારની જવાબદારી છે, પરંતુ તેણે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે અસંમતિનો અધિકાર અવરોધાય નહીં. સ્પષ્ટપણે, જો શાંતિપૂર્ણ આંદોલનનો અવાજ સાંભળવાને બદલે તેને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે, તો તે લોકશાહી માટે ફટકો કરતાં ઓછું કંઈ નહીં હોય.