Site icon Gujarat Mirror

આજી-મીલપરા-પ્રહલાદ પ્લોટ-મોરબી રોડ સહિતના વિસ્તારોમાં વીજ કંપનીનું ચેકિંગ

પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારો-જિલ્લાઓમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીને આવા તત્વોને સબક શીખવવામાં આવે છે.

ગુરુવારનાં રોજ આવી જ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ આવતી રાજકોટ શહેર-1 વિભાગીય કચેરી હેઠળની આજી-1, મીલપરા, પ્રહલાદ પ્લોટ અને મોરબી રોડ પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારો જેમકે, કુબલીયાપરા, વિજયનગર, ચુનારવાડ, લાખાજીરાજ, ઉદ્યોગનગર, માસ્તર સોસાયટી, ગુલાબનગર વિસ્તાર, 80 ફૂટ રોડની આજુબાજુનો વિસ્તાર ફળા; કરણપરા, સહયોગ કોમ્પ્લેક્ષ, કનક રોડ વિસ્તાર, પ્રહલાદ પ્લોટ વિસ્તાર, ભગવતીપરા શેરી નં. 1 થી 3, જયપ્રકાશ નગર શેરી નં. 1 થી 3, વંદેમાતરમ શેરી નં. 1 થી 4, ધરમનગર સોસાયટી, નંદનવન સોસાયટી વગેરેમાં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ 39 જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક વગેરે મળીને કુલ 888 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી 86 વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂૂ. 69.06 લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા.

નોંધનીય છે કે એપ્રિલ-25 થી તા. 18.12.25 ના સમયગાળા દરમિયાન રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ કુલ 41583 વીજજોડાણો ચકાસવામાં આવ્યાં છે, જેમાંથી કુલ 3808 વીજજોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂૂ. 1440.40 લાખની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં છે. આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે. પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Exit mobile version