શહેરમાં વાહન ચાલકો બેફામ બનયા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક બનાવમાં હુડકો ચોકડી પાસે અજાણયા બાઇક ચાલકે આશાપુરા નગરના રાહદારી વૃધ્ધાને ઠોકરે ચડાવ્યા હતા. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વૃધ્ધાનુ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર આવેલા આશાપુરા નગરમાં રહેતા મંજૂબેન ગોવિંદભાઇ ભટ્ટી નામના 73 વર્ષના વૃધ્ધા ત્રણ દિવસ પૂર્વે સવારના અરસામાં હુડકો ચોકડી પાસે પસાર થઇ રહ્યા હતા ત્યારે અજાણયા બાઇક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વૃધ્ધાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયા વૃધ્ધાનું હોસ્પિટલના બીછાને મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
આ ઉપરાંત બીજા બનાવમાં 80 ફૂટ રોડ પર સત્યમ પાર્કમાં રહેતી ગુલનાઝબેન નઝીમભાઇ પઠાણ નામની 30 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે છોકરા મુદ્દે ઝઘડો થયો હતો. ગૃહકલેશથી કંટાળી પરિણીતાએ બીમારીની વધુ પડતી ગોળીઓ ખાઇ લીધી હતી. પરિણીતાની તબીયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. ઉપરોકત બંન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
