Site icon Gujarat Mirror

ઉપલેટાના ઢાંક નજીક ‘હિટ એન્ડ રન’ અજાણ્યા વાહન અડફેટે વૃદ્ધનું મોત

ઉપલેટા તાલુકાના ઢાંક ગામ પાસે હીટ એન્ડ રનની ઘટનામાં પોતાની વાડીએ જઈ રહેલા એક વૃદ્ધને કોઈ અજાણ્યા વાહન ચાલકે બેફીકરાઈથી વાહન ચલાવી અડફેટે લેતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી વાહન ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.

મળતી માહિતી મુજબ, ઢાંક ગામના રહેવાસી જયંતીભાઈ ઉકાભાઈ પાઘડાર (ઉ.વ. 69) ગત તારીખ 09/04/2026 ના રોજ સવારે સાડા સાતેક વાગ્યે પોતાનું હીરો કંપનીનું મોટરસાઈકલ નંબર જીજે-03-જેબી-7936 લઈને ગામથી વાવડીની વાવ તરફ પોતાની વાડીએ જઈ રહ્યા હતા.

આ દરમિયાન ગીરીશભાઈ ગજેરાની વાડી પાસેના કાચા રસ્તે કોઈ અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને પગલે જયંતીભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમને તાત્કાલિક ઉપલેટાની શ્રીજી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. આ અંગે મૃતકના પુત્ર સુરત રહેતા દિવ્યેશભાઈ જયંતીભાઈ પાઘડાર એ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ 281, 125(એ), 125(બી), 106(1) અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version