Site icon Gujarat Mirror

અટલ સરોવર નજીક બુલેટ ડિવાઇડર સાથે અથડાતા ચાલકનું મોત

શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક ઘટનામાં આસ્થા રેસિડેન્સીમાં રહેતો યુવાન રાત્રીના બુલેટ લઈને આટો મારવા નીકળ્યો હતો ત્યારે અટલ સરોવર પાસે બુલેટ ડીવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસે આવેલા આસ્થા રેસિડેન્સીમાં રહેતા રાજ રમેશભાઈ સિંધવ નામનો 33 વર્ષનો યુવા રાત્રીના અગિયારેક વાગ્યાના સમયમાં પોતાનું બુલેટ લઈને આંટો મારવા નીકળ્યો હતો ત્યારે અટલ સરોવર પાસે રાજ સિંધવે ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવતા બુલેટ ડિવાઈડર સાથે અથડાયું હતું અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રાજ સિંધવને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ રાજ સિંધવે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવકને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ છે.

Exit mobile version