જિલ્લા પંચાયત: 2021ની સરખામણીએ મતદાનમાં ઘટાડો, મહિલાઓની ભાગીદારી પણ ઘટી

બેડલામાં સૌથી વધુ 75.3% મતદાન નોંધાયું, જ્યારે દડવીમાં મતદારોનો સૌથી ઓછો ઉત્સાહ જોવા મળ્યો રાજકોટ જિલ્લા પંચાયતની તાજેતરની ચૂંટણીઓના આંકડાઓ 2021ની સરખામણીએ એક ચિંતાજનક ચિત્ર…

બેડલામાં સૌથી વધુ 75.3% મતદાન નોંધાયું, જ્યારે દડવીમાં મતદારોનો સૌથી ઓછો ઉત્સાહ જોવા મળ્યો

રાજકોટ જિલ્લા પંચાયતની તાજેતરની ચૂંટણીઓના આંકડાઓ 2021ની સરખામણીએ એક ચિંતાજનક ચિત્ર રજૂ કરી રહ્યા છે. વર્ષ 2021માં થયેલા નોંધપાત્ર મતદાનની સામે 2026માં કુલ મતદાનની ટકાવારીમાં આશરે 3.28% નો ઘટાડો જોવા મળ્યો છે. આ આંકડાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મતદારોની ઘટતી જતી રુચિ તરફ ઈશારો કરે છે.

વર્ષ 2021માં રાજકોટ જિલ્લા પંચાયત બેઠકો પર સરેરાશ 63.47% મતદાન થયું હતું. તેની સરખામણીએ વર્ષ 2026માં આ આંકડો ઘટીને 60.19% પર આવી ગયો છે. કુલ મતદારોની સંખ્યામાં થોડો ફેરફાર હોવા છતાં, મતદાન મથક સુધી પહોંચનારા લોકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, જે રાજકીય વિશ્ર્લેષકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.

કેન્દ્રવાર વિશ્ર્લેષણ કરતા માલૂમ પડે છે કે 2026માં ’બેડલા’ બેઠક પર સૌથી વધુ 75.3% મતદાન થયું છે, જે લોકશાહી પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે. 2021માં આ ગૌરવ ’સરપદડ’ (72.41%) પાસે હતું. બીજી તરફ, 2026માં સૌથી ઓછું મતદાન ’દડવી’ માં માત્ર 47.28% નોંધાયું છે, જે 2021માં ’ચરખડી’ (53.25%) ના લઘુત્તમ આંકડા કરતા પણ ઓછું છે. મહિલા સશક્તિકરણના દાવાઓ વચ્ચે આંકડાઓ કંઈક અલગ જ વાસ્તવિકતા દર્શાવે છે. 2021માં મહિલા મતદાનની ટકાવારી 58.84% હતી, જે 2026માં ઘટીને 54.74% થઈ ગઈ છે.

એટલે કે મહિલા મતદારોની ભાગીદારીમાં 4% થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. પુરુષોના મતદાનમાં પણ ઘટાડો થયો છે, પરંતુ મહિલાઓના આંકડામાં આવેલો ઘટાડો વધુ નોંધપાત્ર છે. આમ, 2026ની ચૂંટણીમાં નવા સીમાંકન અને બદલાયેલા રાજકીય સમીકરણો છતાં, મતદારોને મથક સુધી ખેંચી લાવવામાં ક્યાંક ઉણપ રહી હોય તેવું આંકડાકીય રીતે સ્પષ્ટ દેખાય છે. આવનારા સમયમાં વહીવટી તંત્ર અને રાજકીય પક્ષોએ મતદાનની જાગૃતિ માટે વધુ સઘન પ્રયાસો કરવા પડશે.