પ્રત્યક્ષ કરવસુલાત 9.55 લાખ કરોડ, કરોડપતિઓ પણ વધ્યા

ચાલુ નાણાકીય વર્ષમાં 10 ઓગસ્ટ 2026 સુધી દેશનું ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 19.75 ટકા વધીને ₹9.55 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. આ સમયગાળા દરમિયાન…

ચાલુ નાણાકીય વર્ષમાં 10 ઓગસ્ટ 2026 સુધી દેશનું ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 19.75 ટકા વધીને ₹9.55 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. આ સમયગાળા દરમિયાન આવકવેરા વિભાગે આશરે ₹1.43 લાખ કરોડના રિફંડ પણ જારી કર્યા છે.

રિફંડ બાદ નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ₹8.11 લાખ કરોડ રહ્યું છે, જે ગયા નાણાકીય વર્ષની સમાન અવધિની સરખામણીએ 23.09 ટકા વધુ છે. છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીએ આ નોંધપાત્ર વૃદ્ધિ માનવામાં આવી રહી છે.ટેક્સ કલેક્શનમાં કોર્પોરેટ અને નોન-કોર્પોરેટ બંને સેગમેન્ટનો ફાળો રહ્યો છે. કોર્પોરેટ ટેક્સ કલેક્શન ગયા વર્ષના ₹2.26 લાખ કરોડથી વધીને ₹2.70 લાખ કરોડ થયું છે. બીજી તરફ નોન-કોર્પોરેટ ટેક્સ કલેક્શન ₹4.11 લાખ કરોડથી વધીને ₹5.07 લાખ કરોડ સુધી પહોંચ્યું છે.દેશમાં ઊંચી આવક ધરાવતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. આવકવેરા સંબંધિત આંકડા મુજબ હવે ₹1 કરોડથી વધુ વાર્ષિક આવક ધરાવતા લોકોની સંખ્યા 5.35 લાખથી વધુ થઈ ગઈ છે.

ગયા એક વર્ષમાં આ કેટેગરીમાં લગભગ 64,000 નવા લોકો જોડાયા છે. એટલે કે એક વર્ષમાં આ વર્ગમાં આશરે 13.63 ટકાનો વધારો થયો છે. આ વૃદ્ધિ પાછળ ઊંચી સેલેરી, બિઝનેસ ઇન્કમ, રોકાણ, શેરબજાર થી થતી કમાણી અને અન્ય આવકના સ્ત્રોતોનો ફાળો હોઈ શકે છે.આ આંકડો એ પણ દર્શાવે છે કે ભારતમાં માત્ર પરંપરાગત બિઝનેસ કરનારા લોકો જ નહીં, પરંતુ ટેક્નોલોજી, ફાઇનાન્સ, સ્ટાર્ટઅપ અને અન્ય આધુનિક ક્ષેત્રોમાં કામ કરતા લોકોની આવકમાં પણ વધારો થયો છે.જ્યારે આવી કંપનીઓ શેરબજારમાં લિસ્ટ થાય છે અથવા કંપનીનું વેલ્યુએશન વધે છે, ત્યારે કર્મચારીઓને મળેલા શેર અથવા સ્ટોક ઓપ્શનની કિંમત પણ વધી શકે છે. પરિણામે કેટલાક કર્મચારીઓને તેમની નોકરીમાંથી મળતી સેલેરી ઉપરાંત શેરના વેચાણથી મોટી આવક થઈ શકે છે.