અમેરિકી યુધ્ધ જહાજના નૌસૈનિકો હતાશામાં ઘેરાયા: કેટલાયે સમુદ્રમાં કૂદકા મારવા પ્રયત્ન કર્યો

અમેરિકી યુદ્ધ જહાજ USS અબ્રાહમ લિંકન પર તૈનાત અમેરિકી નૌસૈનિકો માનસિક અને શારીરિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે. નેવી ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, જહાજ પર તૈનાત…

અમેરિકી યુદ્ધ જહાજ USS અબ્રાહમ લિંકન પર તૈનાત અમેરિકી નૌસૈનિકો માનસિક અને શારીરિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે. નેવી ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, જહાજ પર તૈનાત 6 અમેરિકી સૈન્યકર્મીઓએ જહાજમાંથી સમુદ્રમાં કૂદવાનો પ્રયાસ કર્યો. USS અબ્રાહમ લિંકન લગભગ 9 મહિનાથી સમુદ્રમાં છે. આ યુદ્ધ જહાજ ઈરાન યુદ્ધ દરમિયા સતત 250થી વધુ દિવસ સુધી કોઈ પણ બંદર પર રોકાયા વિના સમુદ્રમાં ચાલી રહ્યું છે. તેના પર લગભગ 5,000 અમેરિકી મરીન તૈનાત છે.

જહાજ 21 નવેમ્બર 2025ના રોજ સેન ડિએગોથી રવાના થયું હતું. તેને પહેલા પ્રશાંત ક્ષેત્રમાં જવાનું હતું, પરંતુ ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધ શરૂૂ થયા પછી તેને પશ્ચિમ એશિયા મોકલી દેવામાં આવ્યું.
આ તૈનાતી પહેલા મે મહિનામાં પૂરી થવાની હતી, પરંતુ તેને ઘણી વખત લંબાવવામાં આવી. સતત વધતી તૈનાતી અને લાંબા સમય સુધી સમુદ્રમાં રહેવાની અસર જહાજ પર તૈનાત લોકોની માનસિક અને શારીરિક સ્થિતિ પર પડી રહી છે.

માનસિક તણાવની સાથે-સાથે જહાજ પર રહેવાની ખરાબ થતી સુવિધાઓને લઈને પણ ફરિયાદો સામે આવી છે. કેલિફોર્નિયાના સાંસદ માઈક લેવિને એકસ પર લખ્યું કે જહાજ પર તૈનાત નૌસૈનિકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમના મતે, જહાજ પરના શાવરમાં ફૂગ લાગી છે અને ઘણા શૌચાલય ખરાબ છે. લોન્ડ્રીની સુવિધા ઘણા અઠવાડિયા સુધી બંધ રહી. લાંબા સમય સુધી ગરમ પાણી પણ મળ્યું નહીં. એક સમયે ભોજનમાં માત્ર અડધો કપ ચોખા આપવામાં આવ્યા. સાબુ, ડિઓડરન્ટ અને ટૂથપેસ્ટ જેવી જરૂૂરી વસ્તુઓની પણ અછત થઇ રહી છે.

આ પહેલાં સેન ડિએગોમાં લગભગ 200 પરિવારોએ એક ટાઉન હોલમાં કાર્યકારી નૌકાદળ સચિવ હંગ કાઓ સમક્ષ પોતાની ચિંતાઓ રજૂ કરી. રિપોર્ટ અનુસાર, પરિવારોએ જણાવ્યું કે લાંબા મિશનની તેમના સંબંધીઓ પર ગંભીર અસર પડી રહી છે.

એક મહિલાએ હંગ કાઓને જણાવ્યું કે તેના પતિએ તેને મેસેજ કર્યો હતો કે તે આશા રાખે છે કે પછીના દિવસની સવારે તેની આંખ ન ખુલે.