શ્રાવણના સોમવારે બિહારના અશોકધામ મંદિરમાં નાસભાગ : 7 મહિલાઓનાં મોત , અનેક ઘાયલ

  બિહારના લખીસરાય સ્થિત પ્રસિદ્ધ અશોકધામ મંદિરમાં આજે શ્રાવણ મહિનાના સોમવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર અચાનક નાસભાગ મચતા 8…

 

બિહારના લખીસરાય સ્થિત પ્રસિદ્ધ અશોકધામ મંદિરમાં આજે શ્રાવણ મહિનાના સોમવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર અચાનક નાસભાગ મચતા 8 શ્રદ્ધાળુઓનાં મોત થયાં છે. 12થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મૃત્યુઆંક વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટના અશોકધામ સ્ટેશનથી મંદિર જવાના રસ્તા પર બની હતી. પ્રાથમિક માહિતી મુજબ રાત્રે આ રસ્તા પર વીજળીનો થાંભલો તાર સહિત પડી ગયો હતો.સોમવારે સવારે લગભગ 50 હજાર લોકો લાઇનમાં ઉભા હતા. ત્યારે જ થાંભલામાં કરંટ ફેલાયાની અફવા ફેલાઈ હતી. ત્યારબાદ શ્રદ્ધાળુઓમાં અફરાતફરી મચી ગઈ અને લોકો આમતેમ ભાગવા લાગ્યા. . આ દરમિયાન સર્જાયેલી નાસભાગમાં અનેક શ્રદ્ધાળુઓ એકબીજાના પગ નીચે કચડાઈ ગયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને અન્ય શ્રદ્ધાળુઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. દબાયેલા લોકોને બહાર કાઢીને ઈજાગ્રસ્તોને સારવાર માટે લખીસરાયની સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા મુજબ મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.

ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે અશોકધામ મંદિર શ્રી ઇન્દ્રદમનેશ્વર મહાદેવ મંદિર તરીકે દેશભરમાં પ્રસિદ્ધ છે. અહીં પાલકાલીન સમયનું વિશાળ શિવલિંગ આવેલું છે, જે જમીનના ખોદકામ દરમિયાન મળી આવ્યું હોવાનું કહેવાય છે.શ્રાવણ મહિનાના સોમવારને લઈને મંદિરમાં સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી અને આ દરમિયાન બનેલી નાસભાગની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

બિહાર સરકારે લખીસરાયના અશોક ધામ મંદિરમાં ભાગદોડમાં આઠ લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. મૃતકોના પરિવારજનોને ₹4 લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન, ઘાયલોને યોગ્ય અને ઝડપી તબીબી સારવાર સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી છે.