લીંબડી નજીક ડીઝલ ચોરીનો પર્દાફાશ: 23 લાખના ઇંધણ સાથે ચાર શખ્સો ઝડપાયા

રાજકોટના હાઈવે પર રાસકા ગામની નર્મદા કેનાલ પાસે ગેરકાયદે રીતે ડીઝલની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. નાયરા એનર્જીના ટેન્કરમાંથી સીલ તોડી કેરબાઓમાં ડીઝલ કાઢવામાં…

રાજકોટના હાઈવે પર રાસકા ગામની નર્મદા કેનાલ પાસે ગેરકાયદે રીતે ડીઝલની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. નાયરા એનર્જીના ટેન્કરમાંથી સીલ તોડી કેરબાઓમાં ડીઝલ કાઢવામાં આવી રહ્યું હતું ત્યારે પોલીસે રેડ પાડીને ચાલક સહિત 4 આરોપીને રંગેહાથ ઝડપી લીધા હતા.

પોલીસે સ્થળ પરથી ટેન્કર, વાહનો, ડીઝલ-પેટ્રોલના જથ્થા સહિત 34.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. લીંબડી પોલીસ ટીમને પેટ્રોલિંગમાં બાતમી મળી હતી કે રાસકા ગામની કેનાલ પાસે રોડ પર ખુલ્લી જગ્યામાં પડેલા ટાટા કંપનીના ટેન્કરમાંથી અમુક શખસો ઈંધણની ચોરી કરી રહ્યા છે.

પીઆઈ જી.બી. પરમાર, પીએસઆઈ વિરાભાઈ કોડિયાતર, મહેન્દ્રસિંહ ગોહિલ સહિત ટીમે બાતમીના સ્થળે દરોડો પાડ્યો ત્યારે ટેન્કરના પાછળના વાલ્વનું સીલ તૂટેલું હતું, પાઈપ વડે કેરબામાં ડીઝલ ભરવામાં આવી રહ્યું હતું.

પોલીસે તુરંત જ ઈંધણ ચોરી બંધ કરાવી જામનગરના ટેન્કર ચાલક દિવ્યરાજ ગીરૂૂભા જાડેજા, રાસકા ગામના દશરથ સતુભા ઝાલા, સંજય જેરામભાઈ તાવીયા અને નટવરગઢ ગામના જયદીપ અજમલ કોઠારીયાને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા શખસો પાસેથી 4 મોબાઈલ ફોન, ઈંધણ, વાહનો મળી રૂૂ. 34,50,392નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

અત્યારે રૂૂ. 100ની આજુબાજુમાં લીટર પેટ્રોલ કે ડીઝલ મળી રહ્યું છે. ત્યારે ટેન્કરચાલક દિવ્યરાજ રૂૂ. 1300ના ભાવે 20 લીટરનો કેરબો વહેંચતો હતો. ટેન્કરમાં 14,000 લીટર ડીઝલ અને 10,000 લીટર પેટ્રોલ મળી અંદાજે 23 લાખનું ઈંધણ હતું.