માથાફરેલા શખ્સે પત્ની, બે પૂજારી, પુત્રને ગોળીએ દીધા, અંતે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

આઝમગઢના શંભુગંજ ગામમાં લગભગ સાત કલાક સુધી ચાલેલો તણાવપૂર્ણ મામલો બુધવારે વહેલી સવારે પોલીસ એન્કાઉન્ટરમાં પરિણમ્યો હતો. પોતાની પત્ની અને બે પૂજારીઓની હત્યાના આરોપી અરવિંદ…

આઝમગઢના શંભુગંજ ગામમાં લગભગ સાત કલાક સુધી ચાલેલો તણાવપૂર્ણ મામલો બુધવારે વહેલી સવારે પોલીસ એન્કાઉન્ટરમાં પરિણમ્યો હતો. પોતાની પત્ની અને બે પૂજારીઓની હત્યાના આરોપી અરવિંદ સિંહ (40) એ શરણાગતિ સ્વીકારવાની વારંવારની અપીલને ફગાવી દીધી હતી અને પોતાના ત્રણ બાળકોને ઘરમાં બંધક બનાવી રાખ્યા હતા; અંતે પોલીસની ગોળીબારીમાં તેનું મોત નીપજ્યું હતું. ગોળીબારી દરમિયાન અરવિંદ અને તેનો આઠ વર્ષનો પુત્ર શૌર્ય (ઉર્ફે લાખા) ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બાદમાં શૌર્યનું ઈજાઓને કારણે મૃત્યુ થયું હતું, જ્યારે અરવિંદને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તેની પુત્રીઓ, પરી (10) અને સાન્વી (11 મહિના), ને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી.

ડીઆઇજી સુનીલકુમાર સિંહે જણાવ્યું હતું કે પોલીસે, સંબંધીઓ અને પરિવારના સભ્યોએ અરવિંદને શરણાગતિ સ્વીકારવા માટે રાતભર સતત પ્રયાસો કર્યા હતા, પરંતુ તેણે બાળકોને મુક્ત કરવાનો કે બહાર આવવાનો ઇનકાર કર્યો હતો.

એડીજી (વારાણસી ઝોન) નવીન અરોરાએ જણાવ્યું હતું કે સાત કલાક સુધી વાટાઘાટો ચાલી હતી, જેમાં અરવિંદ વારંવાર પોલીસને જતા રહેવા કહેતો હતો અને આગ્રહ રાખતો હતો કે મામલો બીજા દિવસે સવારે ઉકેલવામાં આવશે. રૂૂમની અંદરથી ગોળીબારનો અવાજ સંભળાયા બાદ પરિસ્થિતિ વણસી હતી, જેના પગલે પોલીસે બચાવ કામગીરી શરૂૂ કરી હતી.

પોલીસે દરવાજો તોડતા પહેલા સ્ટન અને ટીયર-ગેસ ગ્રેનેડનો ઉપયોગ કર્યો હતો. અધિકારીઓ અંદર પ્રવેશ્યા ત્યારે અરવિંદે કથિત રીતે તેની રિવોલ્વરથી ગોળીબાર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તેણે તમામ છ રાઉન્ડ ફાયર કર્યા હતા, જ્યારે પોલીસની ટીમે પણ વળતો જવાબ આપતા અનેક રાઉન્ડ ફાયર કર્યા હતા. ઓપરેશન દરમિયાન પરી અને સાન્વીને બચાવી લેવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે પિતા દ્વારા ચલાવવામાં આવેલી ગોળી વાગવાથી શૌર્ય ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાદમાં તેનું પણ મૃત્યુ થયું હતું. બાદમાં બંને બાળકીઓને સંબંધીઓને સોંપવામાં આવી હતી. આ ઘટનાક્રમ મંગળવારે સાંજે ઘરમાં યોજાયેલા એક ધાર્મિક સમારોહ દરમિયાન થયેલી ત્રણ હત્યાઓ બાદ શરૂૂ થયો હતો. મૃતકોની ઓળખ મહેન્દ્ર પાઠક (60), અખિલેશ મિશ્રા (50) અને અરવિંદની પત્ની બબીતા (32) તરીકે કરવામાં આવી હતી. તે સમયે ત્યાં હાજર અન્ય બે પૂજારીઓ સુરક્ષિત રીતે બચી ગયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, અરવિંદની માતાએ તેના ભાઈ સુનીલ (જેની 2019માં હત્યા કરવામાં આવી હતી)ના આત્માની શાંતિ માટે વિધિ કરવા પૂજારીઓને બોલાવ્યા હતા. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે અરવિંદ આ સમારોહનો વિરોધ કરતો હતો અને તેણે પૂજારીઓને ઘરે ન આવવાની ચેતવણી પણ આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે ધાર્મિક વિધિ દરમિયાન અરવિંદ ઘરે પાછો ફર્યો હતો, તેણે ત્યાં પૂજારીઓની હાજરી અંગે સવાલ ઉઠાવ્યા હતા અને તેમના આધાર કાર્ડ જોવાની માંગ કરી હતી. આ બાબતે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ તેણે કથિત રીતે ગોળીબાર કર્યો હતો, જેમાં બે પૂજારીઓ અને તેની પત્નીના ઘટનાસ્થળે જ મોત થયા હતા.