જામનગરમાં ડેન્ગ્યુનો ઉપાડો: 17 દિવસમાં જ 26 કેસ

દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. બદલાતી ઋતુના કારણે ઠંડી અને ગરમીના મિશ્ર વાતાવરણ વચ્ચે તાવ,…

દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. બદલાતી ઋતુના કારણે ઠંડી અને ગરમીના મિશ્ર વાતાવરણ વચ્ચે તાવ, શરદી અને ઉધરસના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો થતાં આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાલુ નવેમ્બર મહિનામાં જ શહેરી વિસ્તારના 20 દર્દીઓ ડેન્ગ્યુની સારવાર માટે દાખલ થયાનું જાણવા મળ્યું છે. જ્યારે શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ ડેન્ગ્યુનાં લક્ષણો ધરાવતા છ દર્દીઓ નોંધાયા હોવાનું જાણવા મળે છે. આમ, સરકારી અને ખાનગી હોસ્પિટલોના મળીને કુલ 26 દર્દીઓ ડેન્ગ્યુની ઝપટમાં આવ્યા હોવાનું પ્રાથમિક વિગતો પરથી સામે આવ્યું છે.

છેલ્લા કેટલાક દિવસોથી જામનગર શહેરમાં રોગચાળાનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. સરકારી હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલો અને દવાખાનાઓમાં પણ તાવ, શરદી અને ઉધરસ સહિતની તકલીફો ધરાવતા દર્દીઓની અવરજવર વધી છે. તેમાં ખાસ કરીને ડેન્ગ્યુના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે સામે આવી રહી છે.

ઋતુ પરિવર્તનના કારણે થતાં સંક્રમણની સાથે મચ્છરોના વધેલા ઉપદ્રવને પણ આ સ્થિતિનું એક સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે. ડેન્ગ્યુના કેસો સામે આવતાં જી.જી. હોસ્પિટલના તબીબી તંત્રની સાથે જામનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે. દિવાળીના પર્વ બાદ રોગચાળાના વધતા પ્રમાણ વચ્ચે મચ્છરોના ઉપદ્રવને નિયંત્રણમાં લેવા અને રોગચાળો વધુ ન વકરે તે માટે આરોગ્યલક્ષી પગલાં લેવાની આવશ્યકતા ઊભી થઈ છે. ખાસ કરીને નાગરિકોએ પોતાના રહેણાક વિસ્તારોમાં પાણીનો ભરાવો ન થવા દેવો અને મચ્છરોના ઉપદ્રવ સામે સાવચેતી રાખવી જરૂૂરી બની છે.