Site icon Gujarat Mirror

કડીમાં રાક્ષસી ઘટના, 15-20 ગાયોના માથા કાપી નાખ્યા

અલદેશણ રોડ પર નૂરબાના ફાર્મ હાઉસમાં કસાઈઓની કત્લેઆમ પર ગૌરક્ષકો ત્રાટક્યા; લોહીથી ખરડાયેલા છરા-રિક્ષા જપ્ત; સમગ્ર પંથકમાં હાહાકાર

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગૌવંશની કતલની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અલદેશણ રોડ પર ગત (11 ફેબ્રુઆરી) મોડી રાત્રે ગૌરક્ષકોએ પાડેલા દરોડા દરમિયાન બે ગાયના કતલ કરેલા મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચકચાર ફેલાઈ ગઈ છે. ઘટનાસ્થળેથી કતલ માટે વપરાયેલા હથિયારો અને એક રિક્ષા પણ મળી આવી છે.

છેલ્લા ઘણા સમયથી કડીના અલદેશણ રોડ આસપાસ ગૌવંશની કતલ થતી હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. આ પ્રવૃત્તિને રોકવા માટે ગૌરક્ષકો છેલ્લા કેટલાક દિવસોથી રાત્રિના સમયે રેકી કરી રહ્યા હતા. બુધવારે મોડી રાત્રે ગૌરક્ષકોને પાકી બાતમી મળી હતી કે અલદેશણ ગામની સીમમાં આવેલા નૂરબાનુ ફાર્મ હાઉસ પાસેના ખુલ્લા મેદાનમાં કેટલાક ઈસમો ગાયોની કતલ કરી રહ્યા છે.

ગૌરક્ષક ગૌસ્વામી પાર્થગિરી બાબુગિએ જણાવ્યું હતું કે, અમે રાતે જાગતા હતા, ત્યારે જોયું કે ગાયો કપાતી હતી. પગ કાપેલા હતા ગાયોના. અમે જોડે આવ્યા એટલે આરોપી ભાગી ગયા. રિક્ષા ઝડપાઈ. ગાયો બહુ કાપેલી છે, 15-20 જેવી ગાયો કાપેલી છે. એટલે અમારી માંગણી એક જ છે કે, આરોપીઓને જલ્દી ને જલ્દી હાજર કરો. નહીં કરે તો અમે રેલી કાઢીશું. એ જ અમારી માંગણી છે.

બાતમી મળતા જ ગૌરક્ષકોની ટીમે ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો. જોકે, ગૌરક્ષકોને આવતા જોઈ કતલ કરી રહેલા શખસ અંધારાનો લાભ લઈને ત્યાંથી નાસી છૂટ્યા હતા. ગૌરક્ષકોએ સ્થળ પર તપાસ કરતાં કતલ કરેલી હાલતમાં બે ગાય મળી આવી હતી. તપાસ દરમિયાન ત્યાંથી કતલ કરવા માટે વપરાયેલા તીક્ષ્ણ છરા અને લોહીથી ખરડાયેલી એક બિનવારસી રિક્ષા મળી આવી હતી, જેનો ઉપયોગ ગૌમાંસની હેરફેર માટે થતો હોવાની આશંકા છે.

આ ઘટનાની જાણ થતા જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કડી પોલીસને જાણ કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક પશુ ચિકિત્સકને બોલાવી જરૂૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

‘આરોપીઓનો વરઘોડો કાઢી એમને કડક સજા કરવામાં આવે’

ગૌરક્ષક ઠાકોર દાનસંગજીએ જણાવ્યું હતું કે, અલદેસણ-જાસલપુર રોડ ઉપર નૂરબાના ફાર્મના આજુબાજુમાં અઠવાડિયાથી રાત્રે ગાયો કપાવાનું ચાલુ હતું. ખેતરમાં બધા ગૌરક્ષકો, ગૌપ્રેમીઓએ આવીને જોયું તો ગાયો કપાતી હતી એના અવશેષો જોવા મળ્યા હતા. અમે બે-ત્રણ દિવસથી જોયું તો ચાર-પાંચ ગાય કાપેલી જોવા મળી. પછી અમે તપાસ કરી, રાતે ચેકિંગ કર્યું. તો આજે રાત્રે બે-ત્રણ ગાય કાપતા હતા ને અમે આવી ગયા એટલે ગાયો કાપનારા ભાગી ગયા. પછી અમે પોલીસને રજૂઆત કરી, પોલીસે આવી તપાસ ચાલુ કરી એમણે એક રિક્ષા પકડી હતી.

અમારી માંગણી એવી છે કે, અમારા રોડ ઉપર બહુ ખોટું કૃત્ય ચાલી રહ્યું છે. મજબૂતમાં મજબૂત પગલાં લેવામાં આવે અને આરોપીઓને કડક સજા કરવામાં આવે. અમનો વરઘોડો કાઢી એમને અહીં લાવવામાં આવે. ગૌમાતા આખા ભારત દેશની માતા છે એટલે આવું કૃત્ય થતું અટકાવવામાં આવે, અલદેસણ-જાસલપુર રોડ ઉપ બહુ ખોટું કૃત્ય ચાલી રહ્યું છે.

Exit mobile version