દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું: પ્લેઓફની આશા જીવંત

ટોપ ઓર્ડરની નિષ્ફળતા બાદ ડેવિડ મિલર અને અક્ષર પટેલની અર્ધશતકીય ઇનિંગ્સની મદદથી દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટથી હરાવ્યું છે. દિલ્હી કેપિટલ્સ માટે આ મુકાબલો…

ટોપ ઓર્ડરની નિષ્ફળતા બાદ ડેવિડ મિલર અને અક્ષર પટેલની અર્ધશતકીય ઇનિંગ્સની મદદથી દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટથી હરાવ્યું છે. દિલ્હી કેપિટલ્સ માટે આ મુકાબલો ’કરો યા મરો’ જેવો હતો. જો આ મેચમાં દિલ્હીની ટીમ હારી હોત તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હોત, પરંતુ હવે તેની આશાઓ જીવંત છે.

ધર્મશાલામાં રમાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પંજાબ કિંગ્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પંજાબે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરની મેચમાં 5 વિકેટના નુકસાન પર 210 રનનો સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં દિલ્હીએ 19મી ઓવરના છેલ્લા બોલે 217 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી હતી. આ જીત સાથે દિલ્હી હવે 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાને પહોંચી ગયું છે.
પંજાબ કિંગ્સ સામેના મુકાબલામાં લક્ષ્યનો પીછો કરતા દિલ્હીની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે તેની પ્રથમ ત્રણ વિકેટ માત્ર 33 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી, પરંતુ ત્યારબાદ અક્ષર પટેલ અને ડેવિડ મિલર વચ્ચે સારી ભાગીદારી થઈ હતી. અક્ષર પટેલે 30 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 56 રનની ઇનિંગ રમી હતી.

તેમજ મિડલ ઓર્ડરમાં ડેવિડ મિલરે શાનદાર રમત બતાવતા 28 બોલમાં 51 રનનું યોગદાન આપ્યું હતું. પોતાની આ ઇનિંગમાં તેણે 4 છગ્ગા અને 3 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. આ સિવાય અંતિમ ઓવરોમાં ફરી એકવાર ટીમ માટે આશુતોષ શર્માએ કમાલ કરી હતી. જોકે, તે મેચ ફિનિશ કરી શક્યો નહોતો, પરંતુ પંજાબને જીતથી દૂર ચોક્કસ કરી દીધું હતું. આશુતોષે 10 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા. આ ઉપરાંત માધવ તિવારીએ 8 બોલમાં 18 રનનું યોગદાન આપ્યું હતું.

દિલ્હી સામે પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ પંજાબ કિંગ્સ માટે પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંઘે સારી શરૂૂઆત કરી હતી. ટીમ માટે કેપ્ટન શ્રેયસ અય્યર અને પ્રિયાંશ આર્યએ ફિફ્ટી ફટકારી હતી, જેના કારણે 210 રનનો સ્કોર બન્યો હતો. અય્યરે 36 બોલમાં ત્રણ છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી અણનમ 59 રનની ઇનિંગ રમી હતી, જ્યારે પ્રિયાંશ આર્યએ 33 બોલમાં છ છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા.

આ સિવાય અય્યરે કૂપર કોનોલી (38) સાથે ત્રીજી વિકેટ માટે 83 રનની ભાગીદારી કરી હતી, જ્યારે પ્રિયાંશે પણ પ્રભસિમરન સિંઘ (18) સાથે પ્રથમ વિકેટ માટે 78 રન જોડીને ટીમને ઝડપી શરૂૂઆત અપાવી હતી. દિલ્હી તરફથી માધવ તિવારીએ 40 અને મિશેલ સ્ટાર્કે 57 રન આપીને બે-બે વિકેટ ઝડપી હતી.