નેશનલ ઇન્વેસ્ટિગેશન એક્ટના કાયદાની સ્પષ્ટતા કરી આપતો હાઇકોર્ટનો મહત્ત્વનો ચૂકાદો
નેશનલ ઇન્વેસ્ટિગેશન એક્ટ (NIA) હેઠળ અપીલ કરવામાં વિલંબને માફ કરી શકાય એવો મહત્ત્વપૂર્ણ ચુકાદો હાઇકોર્ટે આપ્યો છે. આ કેસમાં NIA હેઠળ અપીલ કરવામાં 146 દિવસના વિલંબને માફ કરવા એક અરજદાર દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે અરજીમાં હાઇકોર્ટની ખંડપીઠે ઉક્ત ચુકાદો આપ્યો છે.
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ અને નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ અધિનિયમની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરાયેલા આરોપીને રાહત આપતાં ચુકાદામાં હાઇકોર્ટે ઠરાવ્યું છે કે રાષ્ટ્રીય તપાસ એજન્સી અધિનિયમ, 2008 (NI એક્ટ) ની કલમ 21(5) હેઠળ અપીલ દાખલ કરવામાં વિલંબને માફ કરી શકાય છે. ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 ની કલમ 43(ડી)(2)(બી) અને એનડીપીએસ અધિનિયમ, 1985ની કલમ 36એ (4) હેઠળ તપાસ / ન્યાયિક કસ્ટડીનો સમયગાળો લંબાવવાની માંગ કરતી અરજીને મંજૂરી આપવાના આદેશ સામે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એક્ટ 2008 (NIA અધિનિયમ) ની કલમ 21 હેઠળ ફોજદારી અપીલ કરવા બદલ અરજદાર દ્વારા દાખલ કરાયેલી 146 દિવસના વિલંબને માફ કરવાની માંગ કરતી અરજી પર હાઇકોર્ટ સુનાવણી કરી રહી હતી.
જસ્ટિસ ઇલેશ જે. વોરા અને જસ્ટિસ આર. ટી. વાચ્છાણીની ખંડપીઠે ઠરાવ્યું હતું કે જ્યારે વિવિધ હાઇકોર્ટ અને સર્વોચ્ચ અદાલત વચ્ચે સમાન મુદ્દા પર મતભેદ છે, ત્યારે સર્વોચ્ચ અદાલત દ્વારા અધિકૃત દૃષ્ટિકોણ જાહેર ન થાય ત્યાં સુધી, તકનીકી બાબતોમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કર્યા વિના, વિલંબને માફ કરવાનો આદેશ યોગ્ય અને કાયદેસર ગણાય છે. અરજદારે પૂરતું કારણ દર્શાવ્યું છે અને તેથી વર્તમાન અરજી વિચારણાને પાત્ર છે. અપીલ દાખલ કરવામાં થયેલા 146 દિવસના વિલંબને માફ કરવામાં આવે છે.
આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીની ન્યાયિક કસ્ટડી 90 દિવસથી વધારીને 180 દિવસ કરવામાં આવી હતી. જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 ની કલમ 43D(2) (B) ની જોગવાઈઓ અને NDPS અધિનિયમ, 1985 ની કલમ 36A(4) હેઠળ મુખ્યત્વે દલીલ કરવામાં આવી હતી કે NIA આરોપી અરજદાર સામે તપાસ 10 જુલાઈ, 2025 ના રોજ પૂર્ણ થવાના 90 દિવસની અંદર પૂર્ણ કરી શકી નથી અને તેની સામે પૂરક ચાર્જશીટ નિયત સમયમાં દાખલ કરી શકી નથી. આવી અરજી દાખલ કર્યા પછી અરજદાર આરોપીને નોટિસ મોકલવામાં આવી હતી, જોકે, અરજદારએ કથિત રીતે નોટિસ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને અરજી મંજૂર કરવામાં આવી હતી. જેનાથી નારાજ થઈને તેણે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી.
