કારોબારી ચેરમેને પાલિકા તંત્રની બેદરકારી સ્વિકારી વીડિયો વાયરલ કરનાર જાગૃત નાગરિકોનો માન્યો આભાર
ગોંડલ નાં ભગવતસિંહજી ગાર્ડનમાં જાહેર શૌચાલયોને તાળા લાગેલા હોય બાળકોથી લઇ મહીલાઓ પરેશાન થતી હોવાથી એક જાગૃત નાગરિકે આ રોજીંદી દુવીધા અંગે સોશિયલ મિડીયામાં વીડીયો વાયરલ કરતા નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું. વાયરલ થયેલા વીડિયોને પગલે પાલિકાના કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમ તાત્કાલિક ગાર્ડન ખાતે દોડી ગઈ હતી અને બંધ શૌચાલયો ખુલ્લા મુકાવ્યા હતા. આશ્ર્ચર્ય એ વાત નું થાય કે ભગવતસિહ ગાર્ડન માં સવારે કેટલાક નગરસેવકો ની રોજીંદી બેઠક છે.
તેમ છતા તંત્ર ને ઢંઢોળવા નાગરિકો ને વિડિયો વાયરલ કરવા પડે છે. વિગત મુજબ રવિવારના દિવસે ગાર્ડનમાં ફરવા આવેલા એક જાગૃત નાગરિક દ્વારા શૌચાલય બંધ હોવા અંગેનો અને લોકોની હાલાકી વર્ણવતો વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. આ વીડિયો કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજાના ધ્યાને આવતા તેઓ નગરપાલિકાના ઉપપ્રમુખ મનિષભાઈ રૈયાણી શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડિયા, સેનિટેશન તેમજ ગાર્ડન વિભાગની ટીમ સાથે તાત્કાલિક ગાર્ડન માં તપાસ માટે પહોંચ્યા હતા.
સ્થળ પર પહોંચીને કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજાએ વાયરલ વીડિયો બનાવનાર નાગરિકની કામગીરીને બિરદાવી હતી. તેમણે સ્પષ્ટપણે સ્વીકાર્યું હતું કે, “જાગૃત નાગરિકે જે વીડિયો વાયરલ કર્યો હતો તેમાં રજૂ કરાયેલી વાત સંપૂર્ણ સત્ય હતી. હું આ નાગરિકને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું, કારણ કે તેમની જાગૃતતાના કારણે જ અમે અહીં સ્થળ પર પહોંચીને સમસ્યાનું નિવારણ લાવી શક્યા છીએ.”
ગાર્ડનમાં જે શૌચાલયોને તાળા મારી દેવામાં આવ્યા હતા, તે તાત્કાલિક અસરથી ખોલાવીને જાહેર જનતા માટે ચાલુ કરવામાં આવ્યા છે. ઉપરાંત સફાઈ કર્મચારીઓને હવેથી દિવસમાં બે વખત શૌચાલયની સાફ-સફાઈ માટે ફરજિયાત હાજર રહેવા કડક સૂચના આપવામાં આવી છે. કર્મચારીઓએ શૌચાલયને તાળા મારવાની અને ફરજમાં દાંડાઈ કરવાની બેદરકારી દાખવી છે, તેમની સામે કડક પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે.
ભગવત ગાર્ડનની મુલાકાત દરમિયાન રાજેન્દ્રસિંહ જાડેજાએ ત્યાં હાજર લોકો સાથે વાતચીત કરી તેમની અન્ય નાની-મોટી સમસ્યાઓ પણ સાંભળી હતી અને તેના ઉકેલની ખાતરી આપી હતી. અંતમાં તેમણે ગોંડલની જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, શહેરના કોઈપણ ગાર્ડનમાં જો આવી કોઈ અસુવિધા કે ખામી જણાય તો નાગરિકોએ સીધો જ તેમનો ટેલિફોનિક સંપર્ક કરવો, જેથી ટીમ રૂૂબરૂૂ આવીને લોકોના પ્રશ્નોનો સત્વરે નિકાલ લાવી શકે. નગરપાલિકા લોકોની સુવિધા માટે કટિબદ્ધ છે. નગરપાલિકા માં બાગબગીચા શાખા કાર્યરત છે.ચુંટાયેલા સદસ્યો આ શાખામાં ચેરમેન પણ બનતા હોય છે.તેમ છતા એક નાગરિકને તંત્રનો કાન આમળવો પડે તેવી ઘટના ચર્ચાસ્પદ બનીછે.
