Site icon Gujarat Mirror

કુરજી વેકરિયા માર્કેટના થડાનું ભાડુ 500માંથી 1000 કરી દેવામાં આવતા દેકારો

મ્યુ. કમિશનર-સ્ટેન્ડિંગ ચેરમેનને રજૂઆત કરી યોગ્ય ન થાય તો આંદોલનની ચિમકી

શહેરના કુરજી વેકરિયા શાક માર્કેટના થડાધારકોએ કોર્પોરેશન દ્વારા જાણ કર્યા વગર ભાડામાં એકાએક વધારો ઝીંકવામાં આવતા ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. શાકમાર્કેટ એસોસિએશનના પ્રમુખની આગેવાની હેઠળ થડાધારકોએ આજે મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરી હતી.

અચાનક ભાડું રૂૂ. 500 થી વધારીને સીધું રૂૂ. 1,000 કરી દેવામાં આવતા નાના વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. વેપારીઓએ જણાવ્યું હતું કે આ વધારો અયોગ્ય છે અને તેનાથી તેમની આજીવિકા પર સીધી અસર પડશે. તેમણે કોર્પોરેશનને અગાઉનું ભાડું રૂૂ. 500 યથાવત રાખવા માટે માંગ કરી છે.

શાક માર્કેટ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ રાઠોડે જણાવ્યું કે, કોર્પોરેશન દ્વારા વેપારીઓને વિશ્વાસમાં લીધા વગર જ ભાડું વધારી દેવામાં આવ્યું છે.ભરતભાઈ રાઠોડે જણાવ્યું કે, કુરજી વેકરિયા માર્કેટમાં કુલ 105 થડા આવેલા છે. પહેલા તેમનું ભાડું માત્ર રૂૂ. 60 હતું, બાદમાં હોકર પોલિસી હેઠળ તે વધારીને રૂૂ. 500 કરવામાં આવ્યું. હવે માત્ર એક જ વર્ષના ગાળામાં આ ભાડું સીધું રૂૂ. 1,000 કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે અમારી માર્કેટમાં નાના વેપારીઓ છે, જેમને આટલો મોટો ભાડા વધારો પોસાય તેમ નથી.

રાઠોડે વધુમાં જણાવ્યું કે, રાજકોટની એક પણ શાક માર્કેટના વેપારીઓને જાણ કર્યા વગર આ નિર્ણય લેવાયો છે. જો આગામી દિવસોમાં ભાડું ઘટાડવામાં નહીં આવે તો શહેરની તમામ માર્કેટના વેપારીઓ રસ્તા પર ઉતરીને આ ભાડા વધારાનો ઉગ્ર વિરોધ નોંધાવશે.

Exit mobile version