નવા રીંગ રોડ ઉપર ટીલાળા ચોકડી પાસે કાળમુખા ડમ્પરે મોટર સાઈકલને અડફેટે લેતા અકસ્માત
કુદરતની પણ કેવી અકળલીલા છે કે સંતાન પ્રાપ્તી ઝંખતા દંપતિને 22 વર્ષે દીકરીનો જન્મ થતાં પરિવારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. જો કે દંપતિના નસીબમાં જાણે સંતાન ન હોય તેમ 7 વર્ષની થયેલી દીકરીનું પિતાની નજર સામે જ અકસ્માતમાં કરૂણ મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે. 150 ફુટ રીંગ રોડ પર જશરાજનગરમાં રહેતાં આધેડ 7 વર્ષની લાડલી પુત્રીને લઈ આંટો મારવા નીકળ્યા હતાં ને નવા રીંગ રોડ પર ટીલાળા ચોકડી નજીક કાળમુખા ડમ્પરે બાઈકને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં આધેડની નજર સામે જ તેની સાત વર્ષની પુત્રીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે પિતાને પણ ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે પોલીસે ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી.
જાણવા મળતી વિગત મુજબ, 150 ફુટ રીંગ રોડ પર ઉમિયા ચોક પાસે આવેલા જશરાજનગર શેરી નં.5માં રહેતાં ભાવેશભાઈ રમણીકભાઈ વકારીયા (ઉ.52) નામના આધેડ આજે સવારે તેની સાત વર્ષની પુત્રી નૈતીને લઈ બાઈક ઉપર આંટો મારવા માટે નીકળ્યા હતાં. દરમિયાન 11 વાગ્યાના અરસામાં નવા રીંગ રોડ પર મવડી બાયપાસ પાસે ટીલાળા ચોક નજીક પહોંચતાં પુરપાટ ઝડપે આવતાં ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. ડમ્પરે બાઈકને ઠોકરે લેતાં બાઈક સ્વાર પિતા-પુત્રી રોડ ઉપર ફંગોડાયા હતાં અને પિતાની નજર સામે જ માસુમ પુત્રીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.
અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. ઈજાગ્રસ્ત આધેડને 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણ થતાં લોધિકા પોલીસ મથકના મનોજભાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી બાળકીના મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં ભાવેશભાઈ પ્લાસ્ટીકના દાણાનો વેપાર કરે છે અને તેના પત્ની કાજલબેન શિક્ષક છે. દંપતિને 22 વર્ષે પુત્રી નૈતીનો જન્મ થયો હતો. નૈતી પી.એન્ડ.બી.સ્કૂલમાં ધો.1માં અભ્યાસ કરતી હતી. આજે સવારે પત્ની સ્કૂલમાં નોકરીએ ગયા બાદ પિતા પુત્રીને લઈ આંટો મારવા નીકળ્યા હતાં ને રસ્તામાં જ કાળમુખા ડમ્પરે અકસ્માત સર્જતા માસુમ પુત્રીનો ભોગ લેવાયો હતો. એકની એક પુત્રીના મોતથી વણીક પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો છે.
અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની ધરપકડ
નવા રીંગ રોડ પર ટીલાળા ચોકડી પાસે ડમ્પર ચાલકે અકસ્માત સર્જી બાઈકને ઠોકરે ચડાવતાં સાત વર્ષની માસુમ પુત્રીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે તેના પિતાને ઈજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માતની જાણ થતાં લોધિકા પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની ધરપકડ કરી તેના વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

